Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

આ તો જબરૂ કહેવાય...

પત્નીએ પતિની ગર્લફ્રેન્ડ સાથે કરી વિચિત્ર સમજૂતિ

રાંચી તા. ૧૬ : ફિલ્મોમાં તો તમે પતિના ભાગલાની વાતો જોઈ હશે પરંતુ હકીકતમાં આવું બનેલું ભાગ્યે જ જોયું હશે. ઝારખંડના પાટનગર રાંચીમાં આવો જ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જયાં એક વ્યકિતને પત્ની અને પ્રેમિકાએ પરસ્પર સમજૂતિથી વહેંચી લીધો. સમજૂતિ મુજબ આ વ્યકિત અઠવાડિયામાં ૩ દિવસ પત્ની સાથે અને ગર્લફ્રેન્ડ સાથે ૩ દિવસ પસાર કરશે. જયારે એક દિવસ રજા લઈ શકશે અને તે પોતાની મરજી મુજબ જીવન જીવશે.

વાત જાણે એમ છે કે ઝારખંડના પાટનગર રાંચીના કોકર તિરિલ રોડ પર રહેતા રાજેશ મહતો પરણિત હોવા છતાં એક યુવતી સાથે ભાગી ગયો. તેણે ગર્લફ્રેન્ડને પોતે પરણિત છે એવું જણાવ્યું નહતું. ત્યારબાદ તેની પહેલી પત્નીએ પોલીસ સ્ટેશનમાં પતિ ગુમ થયો હોવાની ફરિયાદ કરી. જયારે પ્રેમિકાના ઘરવાળાએ પણ અપહરણની ફરિયાદ નોંધાવી. જયારે પોલીસ રાજેશ અને તેની ગર્લફ્રેન્ડને પકડીને લાવી ત્યારે આ બધી વાતોનો ખુલાસો થયો.

રાજેશ પરણિત હોવાનું બહાર આવ્યા બાદ તેની ગર્લફ્રેન્ડે પોલીસ સ્ટેશનમાં ખુબ હોબાળો કર્યો અને કહ્યું કે અમે તો લગ્ન કરી લીધા છે. ત્યારબાદ પોલીસની હાજરીમાં ૩-૩ દિવસવાળું લેખિતમાં સમાધાન થયું. જો કે આ ડીલ ગણતરીના દિવસોમાં જ તૂટી ગઈ અને બીજી પત્નીએ લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવી એફઆઈઆર કરી. ત્યારબાદ હવે મામલો કોર્ટમાં પહોંચી ગયો અને પોલીસ રાજેશની ધરપકડ કરવા માટે પ્રયત્નમાં છે.

કોર્ટ તરફથી વ્યકિતનું ધરપકડ વોરન્ટ બહાર થયા બાદ પોલીસ દરોડા પાડી રહી છે. પરંતુ હવે આ વ્યકિતના બચાવમાં તેની પત્ની મેદાનમાં ઉતરી છે. જયારે પોલીસ રાજેશને પકડવા માટે ઘરે પહોંચી તો પત્નીએ તેને ભગાડી દીધો.

(3:10 pm IST)