Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ટેકસાસના રન-વે ઉપર બરફના થર : ફલાઇટો કેન્સલ : ૨૩ લાખ ઘરોમાં વીજ પુરવઠો ઠપ્પ

અમેરિકામાં ભારે હિમવર્ષા : હયુસ્ટનમાં લોકોને વીજકાપ અને પાંચમી શ્રેણીના હરીકેન માટે તૈયાર રહેવા ચેતવણી

ભારે હિમવર્ષા અને દક્ષિણના મેદાનોમાં અત્યંત નીચા તાપમાનને કારણે ટેકસાસમાં પાવર ઇમરજન્સી ઉભી થઇ હતી. એક દિવસ પહેલા જ પ્રતિકુળ હવામાનને કારણે ટેકસાસની ફલાઇટસ રદ કરવી પડી હતી. જેની અમેરિકાના એર ટ્રાફીક પર વ્યાપક અસર થઇ હતી.

અધિકારીઓએ હ્યુસ્ટનના લોકોને વીજકાપ અને માર્ગો પર કેટેગરી-પ હરિકેન જેવી પ્રતિકુળ પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી. રન-વે પર બરફ ભેગો થવાને કારણે હ્યુસ્ટનના જયોર્જ બુશ ઇન્ટરનેશનલ એરપોર્ટને બંધ કરવુ પડયુ હતુ.

ઇલેકટ્રીક રિલાયેબિલીટી કાઉન્સિલ ઓફ ટેકસાસએ સોમવારે વહેલી સવારથી વીજકાપ અમલી બનાવ્યો હતો. તેને લીધે ઘણા લોકોએ ટુંકાગાળા માટે વિજળી વગર રહેવું પડયુ હતુ અને આ ગાળામાં ડલાસ અને હ્યુસ્ટન નજીક તાપમાન ઘણુ ઘટી ગયુ હતુ.

કાઉન્સિલે જણાવ્યું હતુ કે, અમે ટેકસાસના લોકોને સૌથી પહેલા સુરક્ષા પર ધ્યાન આપવા વિનંતી કરીએ છીએ. કાઉન્સિલ થોડા સમયમાં રાજયમાં વીજ પુરવઠો પુર્વવત કરશે. ટ્રાફિક લાઇટસ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચરમાં કામચલાઉ વીજકાપ રહેશે. યુટિલીટી ટ્રાન્સમિશન કંપનીઓને વીજળીની માંગ ઘટાડવાના વિકલ્પો ચકાસવાનો પડકાર સોંપાયો છે.ઇરકોટના પ્રેસીડન્ટ અને સીઇઓ બિલ મેગનેસે જણાવ્યુ હતુ કે, દરેક ગ્રિડ ઓપરેટર અને ઇલેકટ્રીક કંપની વીજ પુરવઠો પુર્વવત કરવા સઘન પ્રયાસ કરી રહ્યા છે. વીજકાપનો તબકકો સોમવારની સવારના ગાળામાં ચાલુ રહેવાની ધારણા હતી. યુટિલીટી પર નજર રાખતી સાઇટ poweroutage.usના જણાવ્યા અનુસાર ટેકસાસના ૨૩ લાખથી વધુ ગ્રાહકો સ્થાનિક સમય પ્રમાણે સવારે સાત વાગ્યે અંધારામાં હતા.

ઓકલાહામાં ગેસ એન્ડ ઇલેકટ્રીકના લગભગ ૫૦૦૦ ગ્રાહકો રાતથી વિજળી વગર રહ્યા હતા. જયારે એન્ટરજી આર્કાન્સાસના ગ્રાહકોને પણ લગભગ ૩૦૦૦ વખત વીજપુરવઠો ખોરવાઇ જવાની સ્થિતિનો સામનો કરવો પડયો હતો. બંને રાજય ટેકસાસની તુલનામાં ઘણી ઓછી વસતી ધરાવે છે.

(3:14 pm IST)