Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

નવા ડાયવોર્સ કાયદા પહેલા જ છૂટાછેડા લેવા ચીનાઓએ દોટ મૂકી !! લાભ લેવા પડાપડી

ર૦૧૯ના એક જ વર્ષમાં ૯૪ લાખ દંપતી અલગ થયેલાઃ નવા કાયદા સામે રોષ!

નવી દિલ્હીઃ ચીનમાં છૂટાછેડા લેવા માટે દંપતીઓએ રીતસરની દોટ મુકી છે. વાસ્તવમાં ચીનમાં નવા ચંદ્ર વર્ષથી નવો કાયદો આવી રહયો છે. આ કાયદા હેઠળ છુડાછેડા લેવાનું બહુ અઘરૂ થઇ જવાનું છે એટલે અત્યારના સરળ કાયદાનો લાભ લઇ ફટાફટ છુટાછેડાનો ફેંસલો કરી નાખવા વિચ્છેદ ઇચ્છુક યુગલો દોડાદોડી કરી રહયા છે.

દંપતીઓને અલગ થવાનું વધુ મુશ્કેલ બનાવતા ચીનના નવા ડાયવોર્સ કાયદાને કારણે પતિઓ અને પત્નીઓમાં અફરા-તફરી મચી ગઇ છે. તેઓએ છુટાછેડા માટે અરજીઓ ફાઇલ કરવા માટે કોર્ટમાં લાઇનો લગાડી દીધી છે. તેઓ માને છે કે નવી શરતોથી આ પ્રક્રિયા વધુ અઘરી બનશે તેમ વકીલોને ટાંકતા મીડીયાના એક રીપોર્ટમાં  જણાવાયું છે.

લોકોની ટીકા છતા નેશનલ પીપલ્સ કોંગ્રેસ દ્વારા પસાર કરવામાં આવેલા નવા કાયદાનો ગત મહિને અમલ કરાયો છે. આમાં જોગવાઇ છે કે લગ્ન છોડવા માટે પરસ્પર સમજુતી કરનાર દંપતીએ તેમની સ્થિતિ અંગે ફેર વિચારણા કરવા એક મહિનાનો 'કુલીંગ ઓફ' પીરીયડ પુર્ણ કરવાનો રહેશે. મતલબ કે તેમને વધુ મહિનો સાથે રહેવો પડશે.

૩૦ દિવસ પસાર થયા બાદ દંપતી તેમના સતાવાર ડાયવોર્સ દસ્તાવેજો માટે બીજી વખત અરજી કરવા માટે તેમના સ્થાનીક સિવિલ એફેર્સ બ્યુરોમાં જઇ શકે છે. હવે આવી ઝંઝટથી બચવા છુટાછેડા લેવા ઇચ્છતી દંપતીઓએ કોર્ટ તરફ દોટ મુકી છે. જેના કારણે વકીલોને તડા પડી ગયા છે.

આ મામલે અખબારોમાં પણ અનેક અહેવાલો ચમકવા લાગ્યા છે. ગુઆન્ગઝુ જેવા કેટલાક શહેરોમાં ડાયવોર્સ વકીલો સાથે મસલતની માગ વધી ગઇ છે. જેના કારણે તેઓ પ્રીમીયમ ફી વસુલી રહયા છે અને એપોઇન્ટમેન્ટસ આપી રહયા છે.

નવી જોગવાઇ મુજબ આ કુલીંગ ઓફના ગાળામાં જો પતિ અને પત્નીનો મુડ બદલાય તો ડાયવોર્સની પ્રક્રિયા અટકી જશે. બીજી બાજુ આંકડો દર્શાવે છે કે ચીનમાં ડાયવોર્સ રેટ ૨૦૦૦ માં ૧,૦૦૦ લોકો દીઠના ૦.૯૬ થી વધીને ૨૦૧૯માં ૩.૩૬ એ પહોંચી ગયો છે. જે એશીયા-પેસેફીક પ્રાંતના દેશોમાં સૌથી વધુ છે.

સિવિલ એફેર્સના મંત્રાલયના આંકડા દર્શાવે છે કે ૨૦૧૯માં ૯૪.૭ લાખ દંપતીઓ એકબીજાથી અલગ થયા હતા. ગત મહીને કાયદો પસાર થયો ત્યારે ચીની નાગરીકોએ ખાનગી બાબતોમાં માથુ મારવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. એ સમયે તેના વિરોધમાં ૬૦ કરોડથી વધુ ટીપ્પણીઓ ઓનલાઇન થઇ હતી.

(3:15 pm IST)