Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ભાજપના રાજયસભાના બીજા ઉમેદવાર દિનેશ પ્રજાપતી બક્ષીપંચ મોરચાના પ્રમુખપદે કાર્યરત

રાજકોટ, તા., ૧૬: રાજયસભાના ભાજપના ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા રામભાઇ મોકરીયા અને ડીસાના દિનેશભાઇ પ્રજાપતીના નામની જાહેરાત કરવામાં આવી છે.

દિનેશભાઇ પ્રજાપતીનું મૂળ વતન બનાસકાંઠા જીલ્લાના જુના ડીસા છે. હાલમાં તેઓ ડીસા ખાતે રહે છે. તેઓએ બી.કોમનો અભ્યાસ કર્યો છે અને વ્યવસાયમાં ખેતી અને હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.

દિનેશભાઇ જેમલભાઇ અનાવાડીયા (પ્રજાપતી)નો જન્મ તા.ર૮-૭-૧૯૬રના રોજ થયો હતો. બાલ્યકાળથી તેઓ સંઘના સ્વયંસેવક રહી ચુકયા છે. ૧૯૯૩માં ડીસા તાલુકા યુવા ભાજપના મહામંત્રી, ૧૯૯૬માં બનાસકાંઠા જીલ્લા યુવા ભાજપના પ્રમુખ, ૧૯૯૮માં ગુજરાત પ્રદેશ યુવા ભાજપના કોષાધ્યક્ષ, ર૦૦૦થી ર૦૧૦ સુધી બનાસકાંઠા જીલ્લા ભાજપના મહામંત્રી, ર૦૧૧માં બનાસકાંઠા જીલ્લા ભાજપના ઇન્વેસ્ટર સેલના કન્વીનર તરીકે જવાબદારી નિભાવી છે.

હાલમાં ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપે છે. તેમજ ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડીરેકટર તરીકે ફરજ બજાવી ચુકયા છે.

આ ઉપરાંત ધી સર્વોદય ક્રેડીટ કમ કન્ઝયુમર્સ કો.ઓ.સો.લી. ડીસાના ચેરમેન, ઉતર ગુજરાત સમસ્ત પ્રજાપતી સમાજ સંગઠન બનાસકાંઠા જીલ્લાના પુર્વ પ્રમુખ, ડીસા નગર પાલીકાના ભાજપના પુર્વ નેતા, ગુજરાત રાજય યુવક સેવા અને સાંસ્કૃતિક બોડ ગાંધીનગરના પુર્વ ડીરેકટર તથા બનાસકાંઠા ટેલીકોમ એડવાઇઝરી કમીટીના પુર્વ સદસ્ય રહી ચુકયા છે. ૧૯૯પ થી સતત ભાજપના જીલ્લા, તાલુકા, પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોમાં ભાગ લઇ ચુકયા છે.

દિનેશભાઇ પ્રજાપતીના મો.નં. ૯૪ર૬૪ ૦પ૧૧૧, ૯૭રર૩ ૦૩૩૦૧ ઉપર શુભેચ્છા વર્ષા વરસી રહી છે.

(3:52 pm IST)