Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

પત્નીની હત્યા કરીને પતિનો આત્મહત્યા કરવાનો પ્રયાસ

ગાઝિયાબાદના વૈશાલીના એક એપાર્ટમેન્ટની ઘટના : ઘાયલ પતિ બેભાન હાલતમાં ઘર પાસેના પ્લોટમાં મળતાં હોસ્પિટલમાં દાખલ, ઘટના પૂર્વે પુત્રને દિલ્હી મૂકી આવ્યો

ગાઝિયાબાદ, તા. ૧૬ : વેલેન્ટાઇન ડેના દિવસે પત્નીની ગળું દબાવી હત્યા કર્યાના આશરે ૬ કલાક બાદ પતિએ પણ હાથની નસ કાપી નાખી હતી. આ ઘટના ગાઝિયાબાદના વૈશાલી સેક્ટર પાંચમાં આવેલા ઋષિ એપાર્ટમેન્ટમાં બની હતી. નસ કાપ્યા પછી પતિ ઘાયલ હાલતમાં ઘરની બહાર નીકળી ગયો હતો અને નજીકના ખાલી પ્લોટમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે સ્થાનિકોએ તેને જોયો ત્યારે તેઓએ ફોન કરીને પોલીસને જાણ કરી હતી. કૌશમ્બી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્તને પહેલા હોસ્પિટલમાં દાખલ કરાવ્યો અને ત્યારબાદ તેની પત્ની ઘરે મૃત હાલતમાં મળી આવતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

એએસપી સેકન્ડ જ્ઞાનેન્દ્રસિંહે જણાવ્યું કે, ઘાયલનું નામ દેવજીત દત્તા છે. તે પત્ની પૂજા અને દસ વર્ષના પુત્ર સાથે એપાર્ટમેન્ટમાં રહેતો હતો. તેણે પહેલા તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી અને ત્યારબાદ પોતાના જ હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો. તેણે વ્હાઇટ બોર્ડ ઉપર એક નોટ લખી છે. જેમાં તેણે આ માટે પોતાને જવાબદાર ઠેરવ્યો છે. એએસપીએ કહ્યું કે દેવજીતની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. હોશમાં આવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે.

પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે દેવજીત તેના પુત્રને દિલ્હીમાં તેના સગાના ઘરે મૂકીને આવ્યો હતો. આ પછી તેણે રાત્રે સાડા અગિયાર વાગ્યે પત્નીનું ગળું દબાવીને હત્યા કરી અને ત્યારબાદ આખી રાત તેના મૃતદેહ સાથે રહ્યો. આ સમય દરમિયાન તેણે દિવાલ પર લટકાવેલા વ્હાઈટ બોર્ડ પર માર્કરથી એક નોટ લખી અને સવારે પાંચ વાગ્યે તેણે પોતાના હાથની નસ કાપી નાખી.

સવારે નસ કાપ્યા પછી તે ઘરની બહાર દોડી આવ્યો અને ખાલી પ્લોટમાં પહોંચ્યા બાદ બેભાન થઈ ગયો. તેણે વ્હાઈટ બોર્ડ પર તેની પત્ની અને તેના પોતાના બંનેના મોતનો સમય પણ લખ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટના બાદ પરિવાર દ્વારા કોઈ ફરિયાદ આપવામાં આવી નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે તેમને સવારે ૭ વાગ્યે આ ઘટના અંગે માહિતી મળી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર દેવજીતે બોર્ડ પર પોતાની અને તેની પત્નીની મોતની ટાઈમિંગ લખી હતી. અંગ્રેજીમાં લખેલી આ નોટમાં તેણે આ બધા માટે પોતાને જવાબદાર ઠેરવ્યો છે. તેણે લખ્યું છે કે આ કરવા પાછળનું મુખ્ય કારણ તેની અંદરનો અંધકાર છે. તે આ વિશે કોઈને કહી શકતો નથી. આ સિવાય તેણે લખ્યું છે કે છેલ્લા ૧૫ દિવસમાં જે બન્યું તે ખોટું હતું. આને કારણે તે આ પગલું ભરી રહ્યો છે. પત્નીની હત્યા કરવા અંગે તેણે લખ્યું છે કે પૂજાએ પોતાનો જીવ બચાવવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો, પરંતુ તે બચી શકી નથી. તેણે અંતમાં પુત્રની સંભાળ રાખવા પણ લખ્યું છે.

પ્રાથમિક તપાસ બાદ આ કેસ આર્થિક સંકડામણ સાથે જોડાયેલો હોવાનું પોલીસ માની રહી છે. જોકે આ અંગે વધુ સ્પષ્ટતા દેવજીતની પૂછપરછ પછી જ બહાર આવશે. એએસપીએ જણાવ્યું કે, દેવજીત કેટલાક ઓનલાઇન કામ કરતો હતો. તેની પત્ની એક ખાનગી શાળામાં નોકરી કરતી હતી, જે તેણે ૨ વર્ષ પહેલાં છોડી દીધી હતી. જ્યારે ઘરની ઈસ્ૈં પણ ન ભરાતા બેક્ને નોટિસ ફટકારી હતી. પુત્રની ફી સંબંધિત કેટલીક બાબતો પણ સામે આવી રહી છે. સ્પષ્ટ સ્થિતિ પૂછપરછ પછી જ જાણી શકાશે, આવી સ્થિતિમાં દેવજીતની તબિયત સુધરવાની રાહ જોવાઈ રહી છે.

(8:08 pm IST)