Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

૩૭ વર્ષોથી ચાલે છે સિયાચીન પર કારણ વગરની લડાઇ

વિશ્વનું સૌથી ઉંચુ અને સૌથી ખર્ચાળ યુધ્ધ સ્થળ છે સિયાચીન

જમ્મુ,તા. ૧૬: દુનિયાના સૌથી ઉંચા યુધ્ધ સ્થળ સિયાચીન ગ્લેશીયર પર ભારત અને પાક સેનાઓને નકામુ યુધ્ધ લડતા ૩૭ વર્ષ થઇ ગયા છે. આ વિશ્વનું સૌથી વધારે ઉંચાઇ પર આવેલ યુધ્ધ સ્થળ જ નહીં પણ સૌથી ખર્ચાળ યુધ્ધ મેદાન પણ છે. જ્યાં થનાર યુધ્ધનો કોઇ અર્થ નથી કેમ કે બન્ને પક્ષો જાણે છે કે આ યુધ્ધનો કોઇ વિજેતા નહીં બની શકે. આ અર્થ વગરની લડાઇ માટે પાકિસ્તાન જ જવાબદાર છે. જેણે પોતાના નકશામાં પાક અધિકૃત કાશ્મીરની સીમાને એલઓસીના અંતિમ છેડા એન જે૯૮૪૨થી સીધી રેખા દોરીને કારકોરર્મ ઘાટ સુધી દેખાડવાનું શરૂ કર્યું હતું. આનાથી ચિંચિત ભારત સરકારે ત્યારે ૧૩ એપ્રિલ ૧૯૮૪ના રોજ ઓપેરશેન મેઘદૂત શરૂ કરીને પાક સેનાને આ ગ્લેશીયરથી પાછળ ખદેડવાનું અભિયાન શરૂ કર્યું હતુ. પાકનો ઇરાદો આ હિમખંડ પર કબજો મેળવી નુબ્રા ઘાટી સાથે લદ્દાખ પર પણ કબજો કરવાનો હતો.

આ ઓપરેશન ૧૯૮૪ થી ૨૦૦૨ સુધી ચાલ્યુ હતું. એટલે કે ૧૮ વર્ષ સુધી. ભારત અને પાકિસ્તાનની સેનાઓ સિયાચીન માટે એકબીજા સામે લડતી રહી. અંતે ભારતની જીત થઇ. આજે ભારતીય સેના ૭૦ કિ.મી. લાંબા સીયાચીન ગ્લેશીયર, તેની સાથે જોડાયેલા નાના ગ્લેશીયરો અને ૩ મુખ્ય ઘાટ (સિયાલા, બિલાફોંદલા અને મ્યોંગ લા) પર કબજો ધરાવે છે. આ અભિયાનમાં ભારતના લગભગ ૧ હજાર જવાનો શહીદ થઇ ગયા હતા. ભારત સરકાર સિયાચીનના રક્ષણ માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે.

આનુ કારણ એ છે કે સિયાચીનની એક તરફ પાકિસ્તાનની બોર્ડર છે તો બીજી તરફ ચીનની અકસાઇ ચીન સરહદ છે. એટલે જો પાકિસ્તાન સીયાચીન પર કબજો મેળવી લે તો પાકિસ્તાન અને ચીનની સરહદો તથા મળી જાય. ચીન અને પાકિસ્તાનનંુ ગઠબંધન ભારત માટે ગમે ત્યારે ઘાતક બની શકે. સૌથી મહત્વની વાત એ છે કે આટલી ઉંચાઇ પરથી બન્ને દેશોની ગતિવિધીઓ પર નજર રાખવી પણ સરળ છે.

(11:56 am IST)