Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

યમુનામાં ન્‍હાવા પડેલ ૧૦ યુવકો પર ઇંટ - પત્‍થરો અને ધારદાર હથિયારથી હુમલો : ૫ નહેરમાં ડુબ્‍યા : ૫ યુવકોએ સંતાઇને બચાવ્‍યો જીવ

યમુનાનગર તા. ૧૬ : હરિયાણાના યમુનાનગરમાં એક કાળજું કંપાવે તેવો મામલો સામે આવ્‍યો છે. યમુનામાં ન્‍હાવા ગયેલા ૧૦ યુવકો પર બીજા જૂથના લોકોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન સ્‍નાન કરી રહેલા યુવકો પર ઇંટ-પત્‍થરો અને ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. યુવકો પોતાનો જીવ બચાવવા માટે યમુનાના ઉંડા પાણીમાં ઉતરવા લાગ્‍યા હતા. બીજા જૂથના લોકો ઉપરથી પત્‍થરમારો કરી રહ્યા હતા. જેમાં ૫ યુવકો ડુબી ગયા હતા. બાકી ૫ લોકોએ કોઇ પ્રકારે સંતાઇને જીવ બચાવ્‍યો હતો.

હુમલાખોરોએ યમુનામાં ડુબનાર યુવકોની કારને પણ ખરાબ રીતે ક્ષતિગ્રસ્‍ત કરી દીધી હતી. સૂચના મળવા પર મોટી સંખ્‍યામાં પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ સ્‍થળ પર પહોંચ્‍યા હતા અને લાપતા યુવકોની શોધ શરૂ કરી દેવામાં આવી હતી. ઘણા કલાકોની શોધખોળ પછી ગુમ થયેલા પાંચ યુવકોની હજુ સુધી કોઇ ભાળ મળી નથી.

આ યુવકોના પરિવારજનોનો આરોપ છે કે ૨ વર્ષ પહેલા બીજા પક્ષના લોકો સાથે તેમનો ઝઘડો થયો હતો. જેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. હવે ૨ દિવસમાં ગવાહી હતી. આ મામલાને લઇને હુમલો કરવામાં આવ્‍યો છે.

હજુ સુધી પાંચ યુવક યમુનામાં ગુમ બતાવવામાં આવી રહ્યા છે. જેમની ઉંમર ૧૯ થી ૨૧ વર્ષની વચ્‍ચે બતાવવામાં આવી રહી છે. આ બધાની તરવૈયા દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.

જેમાં જગાધરીના રહેવાસી આ યુવકોમાં સન્ની, સુલેમાન, અલાઉદ્દીન, સાહિલ અને નિખીલ સામેલ છે. પોલીસે પરિવારજનોની ફરિયાદ પર કેસ નોંધીને આરોપીઓની શોધ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે જલ્‍દી આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે.

(1:44 pm IST)