Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

31 મેના સમગ્ર ભારતના સ્‍ટેશન માસ્‍તરોની એક દિવસની હડતાલઃ ઓલ ઇન્‍ડિયા સ્‍ટેશન માસ્‍તર એસોસિએશન આકરા પાણીએ

વિવિધ માંગણીઓને લઇ સામુહિક રજા પર ઉતરી વિરોધ વ્‍યક્‍ત કરાશે

ભાવનગરઃ ઓલ ઇન્‍ડિયા સ્‍ટેશન માસ્‍તર એસોસિએશન દ્વારા 31 મેના રોજ ભારતના તમામ સ્‍ટેશન માસ્‍તરો સામુીહક રજા પર ઉતરી તેમની સમસ્‍યા અને વિવિધ માંગણીઓ સાથે એક દિવસની હડતાલ પર જશે.

ઓલ ઈન્ડિયા સ્ટેશન માસ્તર એસોસિયેશન દ્વારા સ્ટેશન માસ્તરની સમસ્યાને લઈને તારીખ 31 મેનાં રોજ સમગ્ર ભારતભરનાં સ્ટેશન માસ્તરોએ એક દિવસની હડતાળની જાહેરાત કરી છે. આ દિવસે એક દિવસની સામૂહિક રજા લઈ વિરોધ વ્યકત કરવાની જાહેરાત કરી છે.

રેલવેનાં સ્ટેશન માસ્તરોની બંધ થયેલ નાઈટ ડ્યૂટી ચાલુ કરવા, રેલવેનાં ખાનગીકરણનો વિરોધ, એમ.એ.સી.પી. નો લાભ 1 જાન્યુઆરી 2016 થી આપવા તથા રેલવેનું ખાનગીકરણ બંધ કરવા, જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવા બાબતે વિવિધ માંગણીઓને લઈને સ્ટેશન માસ્તરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અગાઉ સ્ટેશન માસ્તરોએ નાઈટ ડયૂટી શિફ્ટમાં મીણબતી પ્રગટાવી વિરોધ કર્યો હતો. તેમજ એક સપ્તાહ કાળીપટ્ટી લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો એક દિવસીય ભૂખ હડતાળ સહિત અનેક પ્રકારે વિરોધ પ્રદર્શન કરવા છતા સમસ્યાઓનો કોઈ ઉકેલ નથી આવ્યો. ત્યારે આગામી તારીખ 31 મેના રોજ ઓલ ઈન્ડિયા સ્ટેશન માસ્તર એસોસિયેશન દ્વારા સમગ્ર ભારતભરનાં સ્ટેશન માસ્તરો દ્વારા એક દિવસની સામૂહિક રજા લઈ વિરોધ દર્શાવવાની જાહેરાત કરી છે.

બીજી તરફ સ્ટેશન માસ્તરોએ આ હડતાળને લઈને મુસાફરોને પણ એક સૂચના આપી છે. તેમણે કહ્યુ કે, જાહેર જનતાને તારીખ 31 મે, 2022 ના રોજ પોતાનું યાત્રાનું પ્લાનિંગ આ બાબતને ધ્યાનમાં રાખીને કરવાની એસોસિયેશન દ્વારા અપીલ કરાઈ છે.

(5:45 pm IST)