Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

પાકિસ્તાની ખેલાડીનુ મેદાન પર જ કરૂણમોત: ઉમર ખાનને હાર્ટ એટેક આવતા થયું નિધન

ટીમે જીત મેળવ્યા બાદ ખુશીઓ મનાવતા મનાવતા જ બેભાન થઈને ઢળી પડ્યો!

પાકિસ્તાનના કરાચીમાં રવિવારે એક ક્રિકેટરનું મોત થયું હતું. પાકિસ્તાની મીડિયા અનુસાર, મૃતક ક્રિકેટરનું નામ ઉમર ખાન છે, જે રવિવારે મેચ જીત્યા બાદ પોતાની ટીમ સાથે ઉજવણી કરી રહ્યો હતો પરંતુ અચાનક બેહોશ થઈ ગયો. જ્યારે ઉમર ખાનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. રિપોર્ટ્સ અનુસાર, જીત બાદ ઉમર ખાનને હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ કેટલાક રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વધુ પડતી ગરમીના કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

મીડિયા અહેવાલ મુજબ, ઉમર ખાન કરાચીના અનુભાઈ પાર્કમાં મેચ રમી રહ્યો હતો. જમણા હાથના ફાસ્ટ બોલરે છેલ્લી ઓવરમાં પોતાની ટીમ માટે મેચ જીતી લીધી હતી. પરંતુ આ ખેલાડીએ છેલ્લો બોલ ફેંકતા જ તેની તબિયત લથડી હતી. ખેલાડીઓ જીતની ઉજવણી કરી રહ્યા હતા અને ઉમર ખાન પીચ પર જ બેહોશ થઈ ગયો. આ પછી તેના સાથી ખેલાડીઓ તેને અબ્બાસી હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

ઉમર ખાન બેંકમાં નોકરી કરતો હતો અને તેના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. ઉમર ખાનની પત્નીને બ્લડ કેન્સર છે. ઉમર ખાનને ક્રિકેટ રમવાનો શોખ હતો અને તે નિયમિતપણે ક્લબ ક્રિકેટ રમતો હતો. તમને જણાવી દઈએ કે કરાચીમાં છેલ્લા બે દિવસમાં બે ખેલાડીઓના મોત થયા છે. આ પહેલા એક ફૂટબોલરનું મૃત્યુ પણ થયું હતું, જેનુ કારણ તેનુ વધુ પડતા સૂર્યપ્રકાશમાં રમવાનું કહેવામાં આવ્યું હતું. બપોરની ગરમીમાં મેચો ખેલાડીઓ માટે જોખમથી મુક્ત નથી.

શનિવારે મોડી રાત્રે પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું અવસાન થતાં ક્રિકેટ ચાહકોને આઘાત લાગ્યો હતો. ક્વીન્સલેન્ડમાં કાર અકસ્માતમાં સાયમન્ડ્સનું મૃત્યુ થયું હતું. મોડી રાત્રે તેની કાર રોડની નીચે પલટી જતાં તેણે જીવ ગુમાવ્યો હતો. સ્થાનિકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગંભીર રીતે ઘાયલ સાયમન્ડ્સ બચી શક્યા ન હતા. સાયમન્ડ્સના નિધન બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છે. બે વખતના વિશ્વ ચેમ્પિયન સાયમન્ડ્સનું વ્યક્તિત્વ ખાસ હતુ.

(8:28 pm IST)