Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

પટેલ મંત્રીમંડળનું વિસ્‍તરણ

ભાજપનું ‘સ્‍વચ્‍છતા અભિયાન': સરકારને નવો કલેવર આપવા પ્રયાસઃ નો-રિપીટ થીયરીઃ હેવીવેઈટની છૂટ્ટીઃ નવા ચહેરાઓ-યુવાવર્ગને પ્રાધાન્‍ય

બપોરે ૧.૩૦ના ટકોરે મંત્રીમંડળનું વિસ્‍તરણઃ ૨૭ પ્રધાનો શપથ લ્‍યે તેવી શકયતાઃ રૂપાણી સરકારના અનેક પ્રધાનોની બાદબાકી થશેઃ માત્ર દિલીપ ઠાકોર, ગણપત વસાવા અને જયેશ રાદડીયાના સમાવેશની શકયતાઃ કોંગ્રેસ છોડીને આવેલા નેતાઓને કેટલા ચાન્‍સ ? સસ્‍પેન્‍શ

અમદાવાદ, તા. ૧૬ :. ગુજરાતમાં ભાજપે મુખ્‍યમંત્રી બદલ્‍યા બાદ હવે સમગ્ર સરકારનો ચહેરો બદલવાનો પ્રયાસ કર્યો છે. આજે બપોરે ૧.૩૦ના ટકોરે મંત્રીમંડળનું વિસ્‍તરણ કરવામાં આવી રહ્યુ છે. જેમા હેવીવેઈટ અને રૂપાણી સરકારના મોટાભાગના પ્રધાનોની છૂટ્ટી કરવામાં આવે તેવી પુરેપુરી શકયતા છે. એટલુ જ નહિ મંત્રીમંડળના વિસ્‍તરણમાં નવા અને યુવા ચહેરાઓને પ્રાધાન્‍ય આપવામાં આવે તેવી પુરેપુરી શકયતા છે. જાણવા મળતી વિગતો અનુસાર ભૂપેન્‍દ્ર પટેલ પોતાના મંત્રીમંડળમાં જૂના મંત્રીઓની જગ્‍યાએ નવા ચહેરાઓ સામેલ કરશે. એવુ જાણવા મળે છે કે કુલ ૨૭ ધારાસભ્‍યોને મંત્રીપદના શપથ લેવડાવવામાં આવશે. એવામાં સવાલ ઉઠે છે કે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નેતાઓને શું નવા મંત્રી મંડળમાં જગ્‍યા મળશે ? ગુજરાત ભાજપની રાજકીય પ્રયોગ શાળા છે. રાજ્‍યમાં પક્ષે સમય સમય પર પરંપરાગત રાજનીતિથી હટીને અનેક સફળ પ્રયોગ પણ કર્યા છે. ભાજપનું હાઈકમાન્‍ડ હવે ગુજરાતમાં સીએમની સાથે સાથે સમગ્ર સરકારને જ બદલીને રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કરવાની તૈયારીમાં છે. રાજ્‍યમાં ૧૫ મહિના પછી વિધાનસભાની ચૂંટણી છે તેવામાં ભાજપ કોઈપણ રીસ્‍ક લેવા નથી માંગતુ તેથી જૂના પ્રધાનોને હટાવીને નવા ચહેરાઓને કેબીનેટમાં સામેલ કરવા સરકારની નવી છબી રજૂ કરવા રણનીતિનો ભાગ છે.
 આજે બપોરે ૧.૩૦ કલાકે રાજભવન ખાતે યોજાય રહેલા શપથવિધિ સમારોહ માટે આજે સવારથી જ જે જે ધારાસભ્‍યોને મંત્રીપદ આપવાના છે તેઓને ફોનકોલ કરવામાં આવી રહ્યા છે. મંત્રીમંડળમાં કુલ ૩ મહિલાઓનો સમાવેશ થાય તેવી શકયતા છે. મુખ્‍યમંત્રી પટેલે પોતાના મંત્રીમંડળ માટે નો-રિપીટ થીયરીનો અભિગમ અપનાવ્‍યો છે અને રૂપાણી સરકારના મંત્રીઓની છૂટ્ટી કરી દીધી છે. તેમની જગ્‍યાએ નવા ચહેરાઓને સામેલ કરવામાં આવી રહ્યા છે. ભૂપેન્‍દ્ર સરકારના મંત્રીમંડળમાં વરિષ્‍ઠ પ્રધાનોને જગ્‍યા નહિ મળે પરંતુ યુવા અને ચૂંટણીમાં ઉપયોગી થઈ શકે તેવા નેતાઓને જગ્‍યા આપવામાં આવશે. સીએમ સમગ્ર મંત્રીમંડળમાં ફેરફાર ઈચ્‍છી રહ્યા છે જેના કારણે ભાજપમાં આંતરીક ધૂંધવાટ ઉભો થયો હતો. રાતભર મનામણાના પ્રયાસો ચાલી રહ્યા હતા.
એવુ જાણવા મળે છે કે રૂપાણી સરકારમાં સામેલ રહેલા ૧૧ કેબીનેટ પ્રધાનોમાંથી માત્ર દિલીપ ઠાકોર, ગણપત વસાવા અને જયેશ રાદડીયાને મંત્રીમંડળમા લેવાય તેવી શકયતા છે.
અત્રે નોંધનીય છે કે અગાઉ ગઈકાલે મંત્રીમંડળનું વિસ્‍તરણ કરવામાં આવ્‍યુ હતુ પરંતુ આંતરીક રોષ ઉભો થતા તે આજ પર મુલત્‍વી રહ્યુ હતુ. જો કે બાદમાં કેન્‍દ્રીય નેતાગીરીએ હસ્‍તક્ષેપ કરતા રોષ ઠંડો પડયો હતો અને હાલની તકે જણાય છે કે ઘીના ઠામમાં ઘી પડી ગયુ છે. નો-રિપીટ થીયરી અને જૂના જોગીઓની નારાજગીને હાલતૂર્ત દૂર કરાય હોવાનું પણ જાણવા મળે છે.

 

તમારે પ્રધાન બનવાનું છે... ક્‍યા-ક્‍યા ધારાસભ્‍યોને સવારે ફોન કોલ આવ્‍યા ?

અમદાવાદઃ આજે સવારથી જે-જે ધારાસભ્‍યોને પ્રધાન બનાવવાના છે તેમને ફોન કોલ કરવામાં આવ્‍યા છે. જેમાં રાઘવજી પટેલ (ધ્રોલ), કિરીટસિંહ રાણા (લીંબડી), બ્રિજેશ મેરજા (મોરબી), ઉપરાંત ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, નરેશ પટેલ, જીતુ વાઘાણી, કનુ દેસાઇ, દુષ્‍યંત પટેલ વગેરેનો સમાવેશ થાય છે

ભાજપ ઇલેકશન મોડમાં: ૬૦ જેટલા ધારાસભ્‍યોનું પત્તુ કપાવાની શક્‍યતા

અમદાવાદઃ ભાજપ હાલ ઇલેકશન મોડમાં હોય તેવું જણાય છે. ૨૦૨૨ની ચૂંટણીને ધ્‍યાનમાં રાખી પક્ષે જોરશોરથી તૈયારી કરી છે. ભાજપ પોતાના ૬૦ જેટલા બિન લોકપ્રિય અને નિષ્‍ક્રીય રહેલા ધારાસભ્‍યોને ટિકીટ નહીં આપે તેવું જાણવા મળે છે. તેવું પણ જાણવા મળે છે કે, પક્ષ ટિકીટ આપવામાં ફુંકી-ફુંકીને પગલા ભરશે. એટલું જ નહીં અનેક સિનીયર પ્રધાનોનું પત્તુ કાપવામાં આવે તેવી શક્‍યતા છે.

આઠ પાટીદાર 6 ઓબીસી, બે ક્ષત્રિય એસ.સી.-એસ.ટી.ના ૫ અને એક જૈન ધારાસભ્યનો પટેલ પ્રધાનમંડળમાં સમાવેશ
એક મુખ્યમંત્રી અને ૨૩ બિલકુલ નવા પ્રધાનો મળીને નવા પટેલ પ્રધાનમંડળમાં ૨૪ સભ્યોનો આજે સમાવેશ થયો છે. ન્યૂઝફર્સ્ટ દ્વારા ગઈકાલે આ જ આંકડો આપ્યો હતો જે શબ્દશઃ સાચો પડ્યો છે.
નવા પ્રધાનમંડળમાં
૮ પાટીદાર,
૨ ક્ષત્રિય ,
૬ ઓબીસી,
૨ SC
૩ ST
૧ જૈન
ધરાસભ્યનો સમાવેશ થાય છે.
ઉત્તર ગુજરાતમાંથી
(1) ઋષીકેશ પટેલ ( વિસનગર ) પટેલ )
(2) ગજેન્દ્ર પરમાર ( પ્રાતિંજ ) ઓબીસી )
(3) કિરિટસિંહ વાઘેલા ( કાંકરેજ ) ક્ષત્રિય
દક્ષિણ ગુજરાતમાંથી
(1) નરેશ પટેલ, ગણદેવી (st )
(2) કનુ દેસાઈ, પારડી  ( બ્રહ્મણ )
(3) જીતુ ચૌધરી ( કપરાડા ) ST
(4) હર્ષ સંઘવી ( મજુરા ) જૈન
(5) મુકેશ પટેલ ( ઓલપાડ )   કોળી પટેલ
(6) દુષ્યંત પટેલ ( પટેલ ) ભરૂચ
(7) વીનુ મોરડીયા ( કતારગામ ) પટેલ
સૌરાષ્ટ્ર માંથી
(1) જે.વી.કાકડીયા ( ધારી, પટેલ )
(2) અરવિંદ રૈયાણી ( રાજકોટ) પટેલ
(3) રાઘવજી પટેલ ( પટેલ )જામનગર
(4) બ્રિજેર મેરજા ( પટેલ )મોરબી
(5) દેવા માલમ ( કેશોદ) કોળી
(6) કિરીટસિંહ રાણા ( લિંબડી ) ક્ષત્રિય
(7) આર.સી. મકવાણા ( મહુવા, ભાવનગર ( કોળી )
(8) જીતુ વાઘાણી : ભાવનગર વેસ્ટ ( પટેલ )
મધ્યગુજરાતમાંથી
(1) જગદીશ પંચાલ ( નિકોલ ) ઓબીસી
(2) નિમિષા સુથાર ( મોરવા હડફ ) ST
(3) પ્રદિપ પરમાર ( અસારવા ) એસ.સી
(4) અર્જુનસિંહ ચૌહાણ ( મહેમદાવાદ ) ઓબીસી )
(5) કુબેર ડિંડોર ( સંતરામપુર ) ST
(6) મનીષા વકીલ : SC
નો સમાવેશ થયો છે.

(1:14 pm IST)