Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ગુજરાત ATSનો સપાટોઃ છેલ્લા પાંચ વર્ષમાં ૧૯૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપ્યુ

૨૦૨૧માં ૯૦૦ કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું : ગુજરાત એટીએસ દ્વારા વર્ષ ૨૦૧૬થી ૨૨૪૨ કિલો ડ્રગ્સ જપ્ત કરાયું

નવી દિલ્હી,તા. ૧૬ : ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા વર્ષ ૨૦૧૬થી અત્યાર સુધી ૧૯૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે, અને આ વર્ષે એટલે કે માત્ર ૨૦૨૧માં જ ૯૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ એટીએસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. એટીએસના અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત જણાવાવમાં આવ્યું કે, આ સમયગાળા દરમિયાન ૭૦થી પણ વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. એટીએસે ઉમેર્યું કે, પાકિસ્તાનના સ્મગલર્સ દ્વારા ડ્રગ્સ પહોંચાડવા માટે ગુજરાતના દરિયાકિનારાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા ચાર વર્ષમાં આવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. પણ ડ્રગ્સ દ્યૂસાડવાના સ્મગલર્સના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા છે.

એટીએસના અધિકારીએ જણાવ્યું કે, આ વર્ષે અલગ-અલગ ઓપરેશનમાં ૯૦૦ કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાંથી રવિવારે મોરબી જિલ્લામાંથી ૧૨૦ કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત ૬૦૦ કરોડ રૂપિયા થાય છે. ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાની સ્મગલર્સ દ્વારા દરિયાઈ રસ્તા માર્ગે ગુજરાતના દરિયાકિનારાનો ઉપયોગ કરીને મોકલવામાં આવી રહ્યું હતું

અધિકારીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૬થી અલગ-અલગ ડ્રગ્સ જેવાં કે હેરોઈન, મેન્ડ્રેકસ, મેથામ્ફેટામાઈન (એમડી ડ્રગ્સ), ચરસ અને બ્રાઉન સુગર જપ્ત કરવામાં આવ્યા છે. આ તમામ ડ્રગ્સનું વજન અંદાજે ૨૨૪૨ કિલો છે અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત ૧૯૨૩ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

એટીએસના ડેટા મુજબ, આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડના સંયુકત ઓપરેશન દ્વારા ગુજરાતના દરિયાકિનારે ઈરાનની ફિશિંગ બોટ દ્વારા લઈ જવામાં આવતું ૧૫૦ કરોડની કિંમતનું ૩૦ કિલો હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું હતું. જયારે ગત વર્ષે એટીએસ દ્વારા ૧૭૭ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. તેમજ ૨૦૧૯માં ૫૨૬ કરોડ, ૨૦૧૮માં ૧૪ કરોડ અને ૨૦૧૬માં ૩૦૩ કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જયારે વર્ષ ૨૦૧૭માં કોઈ મોટું ડ્રગ્સ ઝડપવામાં આવ્યું ન હતું

ગુજરાત એટીએસના ડેપ્યુટી ઈન્સ્પેકટર જનરલ (ઓપરેશન્સ) હિમાંશુ શુકલાએ જણાવ્યું કે, પાકિસ્તાનના ડ્રગ્સ સિંડિકેટ દ્વારા સ્મગલિંગ માટે ટ્રાન્ઝિટ રૂટ તરીકે ગુજરાતના દરિયાકિનારાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પણ તેમના તમામ પ્રયાસો રાજય પોલીસ અને કોસ્ટગાર્ડ તેમજ ડીઆરઆઈ જેવી સેન્ટ્ર્લ એજન્સી દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે. અધિકારીએ જણાવ્યું કે, ગુજરાતમાં ૧૬૦૦ કિમીનો દરિયાકિનારો છે, તેમ છતાં તમામ એજન્સીઓ દ્વારા સમન્વય સાધીને ડ્રગ્સને ઝડપી પાડવામાં આવી રહ્યું છે.

(11:34 am IST)