Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

ગરમી, વરસાદની જેમ ઠંડી પણ તોડશે રેકોર્ડ : ૧૧ ડિગ્રી પારો ગગડશે : હવામાન વિભાગે આપી ચેતવણી

ડિસેમ્‍બરથી ફેબ્રુઆરી દેશભરમાં હાડ થીજાવતી ઠંડી પડશે

નવી દિલ્‍હી તા. ૧૬ : પહેલા રેકોર્ડબ્રેક ગરમી અને પછી વરસાદ પછી આ વખતે ઠંડી પણ રેકોર્ડ તોડી શકે છે. ડિસેમ્‍બર, જાન્‍યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર ઉત્તર, મધ્‍ય અને પૂર્વ ભારતમાં તીવ્ર ઠંડીનો અનુભવ થશે. લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સુધી જઈ શકે છે. આ વર્ષે શીત લહેર અને ધુમ્‍મસના દિવસો પણ વધુ રહેવાની ધારણા છે.

હવામાન નિષ્‍ણાતોના મતે આ વર્ષે શિયાળો અલક્‍ટોબરમાં જ આવી ગયો હતો, પરંતુ વારંવાર વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરને કારણે અત્‍યાર સુધી તાપમાનમાં જોઈએ તેટલો ઘટાડો થયો નથી. પહાડો પર બહુ હિમવર્ષા થતી નથી. પછી પવનની દિશા પણ વારંવાર બદલાતી રહે છે, એટલે જ ક્‍યારેક ગરમી લાગે છે તો ક્‍યારેક ઠંડી લાગે છે.

હવામાનશાષાીઓના મતે કાશ્‍મીર ખીણમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા અને પવનની દિશા ઉત્તર-પમિ તરફ જવાને કારણે આગામી કેટલાક દિવસો સુધી ઠંડીનો અનુભવ થશે. મહત્તમ તાપમાન ૨૭ થી ૨૮ ડિગ્રી રહેશે જયારે લઘુત્તમ તાપમાન ઘટીને ૧૧ ડિગ્રી રહેશે. જો કે, અન્‍ય વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ ૧૯ નવેમ્‍બરની નજીક સક્રિય થવાની શક્‍યતા છે. જેના કારણે ફરી એકવાર તાપમાન વધી શકે છે. પરંતુ નવેમ્‍બરના અંતિમ દિવસોથી ઠંડી તેના રંગમાં આવવા લાગશે.

મળતી માહિતી મુજબ ડિસેમ્‍બર, જાન્‍યુઆરી અને ફેબ્રુઆરીમાં શિયાળો સારો રહેવાની શક્‍યતા છે. આ મહિનામાં કોલ્‍ડ વેવ અને ધુમ્‍મસની સ્‍થિતિ સર્જાશે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે જેમ ઉનાળામાં ગરમીએ રેકોર્ડ તોડ્‍યા હતા અને ચોમાસામાં વરસાદ થયો હતો, તેવી જ રીતે આ વખતે ઠંડીમાં પણ કેટલાક નવા રેકોર્ડ સર્જાય તો અતિશયોક્‍તિ નહીં કહેવાય.

ડો. આર.કે. જૈનમાણી ના જણાવ્‍યા અનુસાર, ઠંડી હજુ વધારે સેટ થઈ નથી કારણ કે વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ એક પછી એક આવતા રહે છે. વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના કારણે આગામી કેટલાક દિવસો સુધી ઠંડીમાં વધારો થશે અને સપ્તાહના અંતે તાપમાનમાં ફરી વધારો થશે. સ્‍કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડેન્‍ટ મહેશ પલાવતે જણાવ્‍યું કે નવેમ્‍બરના છેલ્લા અઠવાડિયાથી ઠંડી તેના રંગમાં આવવાનું શરૂ થઈ જશે. આ પછી, આગામી બે-ત્રણ મહિના સુધી સારો શિયાળો રહી શકે છે. ઉનાળા અને વરસાદની જેમ ઠંડી પણ નવા રેકોર્ડ બનાવી શકે છે.

(11:54 am IST)