Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

અમેરિકાને ૩૩ મિનિટમાં તબાહ કરી શકે છે નોર્થ કોરિયા

ચીને આપી ચેતવણી : જાપાને જોયું છે ટ્રેલર

બીજીંગ તા. ૧૭ : અમેરિકા અને ચીનમાં ચાલી રહેલા તણાવ વચ્‍ચે બેઈજિંગના સંરક્ષણ વૈજ્ઞાનિકોએ ઉત્તર કોરિયા અને અમેરિકા વિશે ખતરનાક આગાહી કરી છે. સંશોધન ટીમનું કહેવું છે કે ઉત્તર કોરિયા પાસે એટલી શક્‍તિશાળી બેલેસ્‍ટિક મિસાઈલ છે કે તે માત્ર ૩૩ મિનિટમાં અમેરિકાની ધરતી પર તબાહી મચાવી શકે છે. ચીનની આ ચેતવણી એવા સમયે સામે આવી છે જયારે અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્‍ચે સૈન્‍ય અભ્‍યાસ ચાલી રહ્યો છે અને ઉત્તર કોરિયાએ પણ અમેરિકાને પરિણામની ધમકી આપી છે. ચીનની ડિફેન્‍સ ટીમે ઉત્તર કોરિયાએ તાજેતરમાં જાપાન બોર્ડર પાસે છોડેલી બેલેસ્‍ટિક મિસાઈલ વિશે વાત કરી છે. તે ન્‍યુક્‍લિયર વોરહેડ સક્ષમ મિસાઈલ છે.ચીનના સંરક્ષણ નિષ્‍ણાતોના જણાવ્‍યા અનુસાર, જો યુએસ મિસાઇલ સંરક્ષણ નેટવર્ક તેને અટકાવવામાં નિષ્‍ફળ જાય તો ઉત્તર કોરિયાની મિસાઇલ ૧,૯૯૭ સેકન્‍ડ અથવા લગભગ ૩૩ મિનિટમાં મધ્‍ય અમેરિકા સુધી પહોંચી શકે છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્‍ટમાં છપાયેલા આર્ટિકલ અનુસાર, આ રિસર્ચમાં નોર્થ કોરિયાના હ્વાસોંગ-૧૫ વિશે વાત કરવામાં આવી છે, નોર્થ કોરિયાએ આ મિસાઈલ વર્ષ ૨૦૧૭માં પહેલીવાર છોડી હતી.

બેઇજિંગ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ઇલેક્‍ટ્રોનિક સિસ્‍ટમ્‍સ એન્‍જિનિયરિંગના તાંગ યુઆનની આગેવાની હેઠળની ચાઇનીઝ ટીમે જણાવ્‍યું હતું કે તે ૧૩,૦૦૦ કિમી (૮,૦૭૭ માઇલ) ની અસરકારક રેન્‍જ સાથે બે તબક્કાની, પરમાણુ-સક્ષમ મિસાઇલ છે, ‘સમગ્ર યુએસને મારવા માટે પૂરતી છે.'

 મેન્‍ટાંગ અને સહકર્મીઓ દ્વારા ચાઈનીઝ ભાષાના જર્નલ મોર્ડન ડિફેન્‍સ ટેક્‍નોલોજીમાં ૧૫ ફેબ્રુઆરીના રોજ પ્રકાશિત થયેલા સંશોધનમાં દાવો કરવામાં આવ્‍યો હતો કે સેહવાસોંગ-૧૫ મિસાઈલનું નિર્માણ મધ્‍ય ઉત્તર કોરિયાના દક્ષિણ પ્‍યોંગન પ્રાંતના શહેર સુનચોનમાં કરવામાં આવ્‍યું હતું. તેનું લક્ષ્ય મધ્‍ય અમેરિકન રાજય મિઝોરીમાં આવેલ કોલંબિયા છે.

ચીનની ટીમના જણાવ્‍યા અનુસાર યુએસ મિસાઈલ ડિફેન્‍સ હેડક્‍વાર્ટરને લગભગ ૨૦ સેકન્‍ડ બાદ એલર્ટ મળશે. ઇન્‍ટરસેપ્‍ટિંગ મિસાઇલોની પ્રથમ બેચ ૧૧ મિનિટની અંદર અલાસ્‍કાના ફોર્ટ ગ્રીલીથી ઉપડશે. જો તેઓ નિષ્‍ફળ જાય, તો કેલિફોર્નિયામાં વેન્‍ડેનબર્ગસ્‍પેસ ફોર્સબેઝથી ઇન્‍ટરસેપ્‍ટર્સની બીજી તરંગ લોન્‍ચ કરવામાં આવશે.

જો કે ચીનના સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આ સંશોધન પર અમેરિકા તરફથી કોઈ નિવેદન આવ્‍યું નથી, પરંતુ ચીનનું આ સંશોધન એવા સમયે આવ્‍યું છે જયારે દક્ષિણ કોરિયા અને અમેરિકી સેના વચ્‍ચે દાવપેચ ચાલી રહ્યા છે. આ કવાયત પર ઉત્તર કોરિયાએ અમેરિકાને પરિણામ ભોગવવાની ધમકી પણ આપી હતી.

(11:51 am IST)