Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

કેમ્‍પા કોલા લોન્‍ચ થતા જ કોકા-કોલાએ કિંમતમાં ઘટાડો કર્યો

મુકેશ અંબાણીની એન્‍ટ્રીથી કોલા માર્કેટમાં પ્રાઇસ વોર છેડાઇ

નવી દિલ્‍હી, તા.૧૭: રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી અમીર વ્‍યક્‍તિ મુકેશ અંબાણી સતત પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. તેણે ગયા વર્ષે કોલા માર્કેટમાં પ્રવેશવા માટે એક ડીલ પર હસ્‍તાક્ષર કર્યા હતા અને હોળી પછી જ રિલાયન્‍સ તરફથી ૭૦ના દાયકામાં સૌથી પ્રખ્‍યાત બ્રાન્‍ડ કેમ્‍પા કોલાના ત્રણ ફ્‌લેવર્સ લોન્‍ચ કરવાની જાહેરાત કરીને માર્કેટમાં જોરદાર એન્‍ટ્રી કરી હતી. આ પછી કોલા માર્કેટમાં પ્રાઇસ વોર શરૂ થઈ ગઈ છે અને અન્‍ય કંપનીઓએ તેમના ઉત્‍પાદનોની કિંમતો ઘટાડવાની શરૂઆત કરી છે.

કેમ્‍પા કોલા ડીલ રિલાયન્‍સ કન્‍ઝ્‍યુમર પ્રોડક્‍ટ્‍સ દ્વારા ૨૦૨૨માં પ્‍યોર ડ્રિંક ગ્રુપ પાસેથી રૂ.૨૨ કરોડમાં કરવામાં આવી હતી. આ ડીલ પછી, પહેલા દિવાળી પર પ્રોડક્‍ટ લોન્‍ચ કરવાની યોજના હતી, પરંતુ પછી તેને હોળી ૨૦૨૩ સુધી લંબાવી દેવામાં આવી. તાજેતરમાં, આ ૫૦ વર્ષ જૂની આઇકોનિક બેવરેજ બ્રાન્‍ડ કેમ્‍પા કોલાને ઓરેન્‍જ, લેમન અને કોલા ફ્‌લેવર્સમાં રજૂ કરવામાં આવી હતી. તેની સીધી સ્‍પર્ધા પેપ્‍સી, કોકા-કોલા અને સ્‍પ્રાઈટ સાથે છે જે પહેલાથી બજારમાં હાજર છે.

કેમ્‍પા કોલાના ત્રણ ફ્‌લેવર્સ લોન્‍ચ થયા બાદ કોલા માર્કેટમાં પ્રભુત્‍વ ધરાવતી અન્‍ય કંપનીઓ પર દબાણ દેખાવા લાગ્‍યું છે. દરમિયાન, તાપમાનમાં વધારો અને સોફ્‌ટ ડ્રિંક્‍સની માંગમાં વધારાને કારણે, કોકા-કોલાએ ખાસ કરીને એવા રાજ્‍યોમાં જ્‍યાં સૌથી ઓછો સ્‍ટોક રાખવામાં આવ્‍યો છે ત્‍યાં તેના ઉત્‍પાદનોના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. બિઝનેસ સ્‍ટાન્‍ડર્ડ અનુસાર, કંપનીએ ૨૦૦ML બોટલની કિંમતમાં ૫ રૂપિયાનો ઘટાડો કર્યો છે.

(3:19 pm IST)