Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

જોસ બટલરે તોડ્યો વિરાટનો રેકોર્ડ: રાજસ્થાન રોયલ્સે IPLમાં ઈતિહાસનું કર્યું પુનરાવર્તન

તેણે રન ચેઝમાં પોતાની ત્રીજી સદી ફટકારીને કોહલી અને સ્ટોક્સ બંનેને પાછળ છોડી દીધા

મુંબઈ ;જોસ ધ બોસ. બધા જાણે છે કે આ વાત ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જોસ બટલર વિશે કહેવાય છે. અખબારોના પાનાઓથી માંડીને કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા કોમેન્ટેટર સુધી બધા જ તેના આ રીતે વખાણ કરે છે. પણ શા માટે? આનો જવાબ 16 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચમાં ફરી એકવાર મળ્યો. જોસે સાબિત કર્યું કે શા માટે તે T20 ફોર્મેટનો બોસ છે? શા માટે બોલરો તેમની સામે બોલિંગ કરતા ધ્રૂજે છે?

  જોસ બટલરે KKR સામે શાનદાર બેટિંગ કરી હતી. તેની જોરદાર બેટિંગના આધારે રાજસ્થાન રોયલ્સે માત્ર કમાલ જ નથી કરી પરંતુ 4 વર્ષ બાદ ફરી ઈતિહાસનું પુનરાવર્તન કર્યું. 224 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે રાજસ્થાનની ઈનિંગની શરૂઆત કરવા આવેલો બટલરે તેને અંત સુધી લઈ લીધો. આ દરમિયાન વિરાટ કોહલીનો રેકોર્ડ તૂટી ગયો હતો. તેમજ IPLના ઈતિહાસમાં બીજી વખત રાજસ્થાનની ટીમ આટલા મોટા ટાર્ગેટને ચેઝ કરી ગઈ.

 

જોસ બટલરે KKR સામે 60 બોલમાં અણનમ 107 રન બનાવ્યા, જેમાં 9 ફોર અને 6 સિક્સર સામેલ હતી. તેનો સ્ટ્રાઈક રેટ 178.33 હતો. બટલરની IPL કારકિર્દીની આ સાતમી અને T20 કારકિર્દીની આઠમી સદી હતી. તેણે IPLમાં ફટકારેલી 7 સદીઓમાંથી આ તેની રન ચેઝમાં ફટકારેલી ત્રીજી સદી હતી. અને અહીં તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો  

વાસ્તવમાં, અત્યાર સુધી જોસ બટલર રન ચેઝમાં સૌથી વધુ IPL સદી ફટકારવાના મામલે વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ સાથે સંયુક્ત રીતે એક જ સ્થાને હતો. પરંતુ, હવે તેણે રન ચેઝમાં પોતાની ત્રીજી સદી ફટકારીને કોહલી અને સ્ટોક્સ બંનેને પાછળ છોડી દીધા છે. કોહલી અને સ્ટોક્સ બંનેએ રન ચેઝમાં 2-2 સદી ફટકારી છે.

 

જોસ બટલરે ફટકારેલી વિસ્ફોટક સદીની મદદથી રાજસ્થાનની ટીમ KKR સામે 224 રનના લક્ષ્યનો પીછો કરવામાં સફળ રહી હતી. રાજસ્થાન રોયલ્સે IPLમાં બીજી વખત આટલા મોટા સ્કોરનો પીછો કર્યો છે. મતલબ, તેમણે પોતાના જ રેકોર્ડનું પુનરાવર્તન કર્યું. IPLમાં પહેલીવાર રાજસ્થાને વર્ષ 2020માં પંજાબ કિંગ્સ સામે 224 રનનો પીછો કર્યો હતો. આ વખતે તેમણે ઈડન ગાર્ડન્સમાં KKR સામે સમાન સ્કોરનો પીછો કર્યો છે. IPLના ઈતિહાસમાં આનાથી મોટો રન ચેઝ આ પહેલા ક્યારેય થયો નથી.

(11:34 pm IST)