Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ભારત સામે આંખ ઉઠાવી છે તેને યોગ્ય જવાબ મળ્યો છે

લાલ કિલ્લા પરથી વડાપ્રધાનનરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન : એલઓસીથી લઈને એલએસી સુધી દેશના સાર્વભૌમત્વ પર જેણે પણ આંખ ઉઠાવી તેને સેનાએ જવાબ આપ્યો છે

નવી દિલ્હી, તા. ૧૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતાં પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વિના કહ્યું હતું કે એલઓસીથી લઈને એલએસી સુધી દેશના સાર્વભૌમત્વ પર જેણે પણ આંખ ઉઠાવી છે તેને દેશની સેનાએ તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. કોરોના મહામારીની વાત કરીને વડાપ્રધાને કહ્યું કે આજે ભારતમાં કોરોના વાયરસની એક નહીં, બે નહીં, ત્રણ-ત્રણ વેક્સિન આ સમયે ટેસ્ટિંગના તબક્કામાં છે. દેશના દરેક જરૂરિયાત મંદ સુધી ઓછામાં ઓછા સમયમાં વેક્સિનને પહોંચાડવાની રૂપરેખા પણ તૈયાર છે. વડાપ્રધાને કહ્યું કે આજથી દેશમાં વધુ એક મોટા પાયે અભિયાન શરૂ થવા જઈ રહ્યુ છે. એ છે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન, ભારતના હેલ્થ સેક્ટરમાં નવી ક્રાંતિ લઈને આવશે. મોદીએ કહ્યુ કે હવે એનસીસીનો વિસ્તાર દેશના ૧૭૩ બોર્ડર અને તટવર્તી જિલ્લા સુધી સુનિશ્ચિત કરવામાં આવશે.

              આ અભિયાન હેઠળ લગભગ ૧ લાખ નવા એનસીસી કેડેટ્સને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે. જેમાં પણ લગભગ એક તૃતીયાંશ દિકરીઓને આ સ્પેશ્યલ ટ્રેનિંગ આપવામાં આવશે. પીએમ મોદીએ કહ્યુ કે, આત્મનિર્ભરની પહેલી પ્રાથમિકતા આત્મનિર્ભર કૃષિ અને ખેડૂત છે. એક પછી એક રિફોર્મ ખેડૂતો માટે કરાયા છે. ખેડૂતોને તમામ બંધનોમાંથી મુક્ત કરવાનું કામ અમે કર્યું છે. તમે કપડા કે સાબુ બનાવો તો તેને તમારી મરજીથી વેચી શકો છો, દેશનો ખેડૂત પોતાની મરજીથી વેચી શકતો નહોતો. તેના તમામ બંધનો અમે દૂર કરી દીધા છે. હવે દેશનો ખેડૂત દુનિયાના કોઈ પણ ખૂણામાં તેની શરતો સાથે પાકને વેચી શકે છે.

                  ખેતીમાં ઈનપુટ કોસ્ટ કેવી રીતે ઘટાડી શકાય, સોલર પમ્પ કેવી રીતે મળે. મત્સ્યઉદ્યોગ જેવા ઉદ્યોગો સાથે કેવી રીતે જોડાઈ શકાય, એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. ગત દિવસોમાં એક લાખ કરોડ રૂપિયા એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારત સરકારે ફાળવ્યા છે. આનાથી વિશ્વ બજારમાં ભારતના ખેડૂતની પહોંચ વધશે. કોઈ વિચારી પણ શકતું ન હતું કે, એક સમયે ગરીબોના જનધન ખાતામાં લાખો-કરોડો રૂપિયા સીધા ટ્રાન્સફર થઈ જશે. કોઈ વિચારી શકતું હતું કે, ખેડૂતોના ભલા માટે કાયદામાં ફેરફાર થઈ શકે છે? કોઈ વિચારી શકતું હતું કે, આપણું સ્પેસ સેક્ટર આપણા દેશના યુવાનો માટે ખોલી દેવાશે? આજે આપણે જોઈ રહ્યા છીએ કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હોય, વન નેશન વન કાર્ડની વાત હોય, વન નેશન વન ગ્રિડની વાત હોય, વન નેશન વન ટેક્સની વાત હોય, બેક્નરપ્સી કોડની વાત હોય અથવા બેક્નોને મર્જ કરવાનો પ્રયાસ હોય, ભારતના પરિવર્તનના આ સમયમાં રિફોર્મને દુનિયા જોઈ રહી છે. કોરોના સંકટમાં આપણે જોયું કે, દુનિયામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. આ દેશમાં દ્ગ-૯૫ માસ્ક નહોતા બનતા, પીપીઈ કીટ નહોતી બનતી, વેન્ટીલેટર નહોતા બનતા, હવે બનવા લાગ્યા છે. આત્મનિર્ભર ભારત દુનિયાની કેવી રીતે મદદ કરી શકે છે, એ આજે આપણે જોઈ શકીએ છીએ. ઘણું બધુ થયું છે.

આઝાદ ભારતની માનસિકતા શું હોવી જોઈએ. વોકલ ફોર લોકલ. સ્થાનિક ઉત્પાદનોનું ગૌરવ કરવું જોઈએ.આવું નહીં કરીએ તો તેમની હિંમત કેવી રીતે વધશે. આપણે મળીને સંકલ્પ લેવો જોઈએ કે ૭૫ વર્ષની તરફ આગળ વધી રહ્યા છીએ તો વોકલ ફોર લોકલનો મંત્ર અપનાવીશું. વડાપ્રધાને કહ્યું કે, કોરોના મહામારી વચ્ચે ૧૩૦ કરોડ દેશવાસીઓએ આત્મનિર્ભર બનવાનો સંકલ્પ લીધો. આત્મનિર્ભર ભારત દેશવાસીઓનાં મન મસ્તિકમાં છવાયેલો છે. આ આજે માત્ર શબ્દ નથી રહ્યો. પરંતુ ૧૩૦ કરોડ દેશવાસીઓ માટે મંત્ર બની ગયો છે. આજે દુનિયા ઇન્ટર કનેક્ટેડ છે. એટલે સમયની માંગ છે કે, વિશ્વની અર્થવ્યવસ્થામાં ભારતનું યોગદાન વધવું જોઇએ. આ દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવાનું જ છે. જ્યારે આપણામાં સામર્થ્ય હશે તો આપણે દુનિયાનું પણ કલ્યાણ કરી શકીશું. આજે દેશ અનેક નવા પગલા લઇ રહ્યો છે. તમે જુઓ તો સ્પેસ સેક્ટરને ખુલ્લો મુકી દીધો છે. દેશનાં યુવાનોને તક મળી રહી છે. આપણે કૃષિ ક્ષેત્રને બંધનોથી મુક્ત કરી દીધું છે. આપણે આત્મનિર્ભર ભારત બનવાનો પ્રયાસ કર્યો છે.

(9:48 pm IST)