Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

જુનુ સોનું વેચવા પર લાગી શકે છે જીએસટી

જુનું સોનુ કે જુના દાગીનાના વેચાણ પર ૩ ટકા જીએસટી લાદવા તૈયારી : કાઉન્સીલ ટુંક સમયમાં લેશે નિર્ણય : ૧ લાખનું જુનુ સોનું વેચો તો રૂ. ૩૦૦૦નો લાગશે જીએસટી : જ્વેલર્સો ખરીદ - વેચાણ માટે ઇ-ઇનવોઇસ (ઇ-બિલ) પણ તૈયાર કરવું પડશે

નવી દિલ્હી તા. ૧૭ : જૂના સોનાના દાગીના અથવા સોનું વેચવા પર મળનારી રકમ પર આગામી સમયમાં ૩ ટકા જીએસટી ચૂકવવો પડી શકે છે. આગામી જીએસટી પરિષદની મીટીંગમાં આના પર નિર્ણય લેવાઇ શકે છે. હાલમાં જ રાજ્યોના નાણા પ્રધાનોના એક ગ્રુપ (જીઓએમ)માં જૂના સોના અને દાગીનાના વેચાણ પર ત્રણ ટકા જીએસટી લગાડવાના પ્રસ્તાવ પર લગભગ સહમતિ થઇ ગઇ છે. કેરળના નાણા પ્રધાન થોમસ ઇસાકે આ માહિતી આપી છે.

આ ગ્રુપમાં કેરળ, બિહાર, ગુજરાત, પંજાબ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળના નાણા પ્રધાનો સામેલ છે. પ્રધાનોના આ ગ્રુપની રચના સોના અને કિંમતી રત્નોના પરિવહન માટે ઇ-વે બિલના ક્રિયાન્વયનની સમીક્ષા માટે કરાઇ હતી. બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ મોદીએ કહ્યું કે, એવો નિર્ણય લેવાયો છે કે જો કોઇ રાજ્ય સોના માટે ઇ-વે બિલનું ક્રિયાન્વયન કરવા ઇચ્છે તો તે રાજ્યની અંદર સોનાને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર માટે આવું કરી શકે છે.

જીઓએમએ એવો પણ નિર્ણય કર્યો છે કે સોના અને ઘરેણાની દુકાનોએ દરેક ખરીદી અને વેચાણ માટે ઇ-ઇન્વોઇસ કાઢવી પડશે. આ પગલું ટેક્ષ ચોરી રોકવા માટે લઇ શકાય છે. અહીં ઉલ્લેખનીય વાત એ છે કે સોના પર અને ઘરેણાં બનાવવાના ચાર્જ પર જીએસટી અલગ અલગ છે. સોનાના ચેકીંગ ચાર્જ પર જીએસટી પાંચ ટકા છે. એટલે દાગીના ખરીદતી વખતે ધ્યાન રાખો કે બીલમાં જીએસટી ચાર્જ અલગ અલગ ગણ્યા છે કે નહીં જો દુકાનદારે આમ ન કર્યું હોય તો તમે ફરિયાદ નોંધાવી શકો છો.

જો આવું થાય તો જો કોઇ જ્વેલર તમારી પાસેથી જુનુ સોનું ખરીદે તો તે રિવર્સ ડયુટીના સ્વરૂપમાં તમારી પાસે ૩ ટકા જીએસટી વસુલ કરશે. ૧ લાખના દાગીના વેચો તો જીએસટી સ્વરૂપે ૩૦૦૦ કાપી લેવાશે.

ઇવે બિલ હેઠળ સોનાને લાવવાની તૈયારી ટેક્ષ ચોરીની વધતી ઘટનાને ધ્યાને લઇ શકાશે. જીએસટી પછી સોનાથી મળતી આવક ઘટતા આ તૈયારી થઇ રહી છે.

(11:44 am IST)