Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

પ્રણવ મુખર્જીની તબિયતમાં થયો સુધારો

અભિજીત મુખર્જીએ કહ્યું કે, ભગવાનની કૃપા અને આપ સૌની શુભકામનાઓની સાથે મારા પિતાની તબિયત પહેલાથી સારી છે

નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયતને લઈ સારા સમાચાર સામે આવ્યા છે. તેમના બ્રેઇનની સર્જરી બાદથી તેઓ વેન્ટિલેટર પર છે. તેમની સારવાર દિલ્હી સ્થિત આર્મી હોેસ્પિટલમાં ચાલી રહી છે. હવે તેમના દીકરા અભિજીત મુખર્જીએ જાણકારી આપી છે કે તેમની તબિયતમાં પહેલાથી સુધાર જોવા મળી રહ્યો છે.

અભિજીત મુખર્જી અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત પહેલાથી દ્યણી સારી છે અને તેમની તબિયત હાલમાં સ્થિર છે. અભિજીતે જણાવ્યું કે, શનિવારે હું મારા પિતાની ખબર કાઢવા હોસ્પિટલ ગયો હતો. ભગવાનની કૃપા અને આપ સૌની શુભકામનાઓની સાથે તેમની તબિયત પહેલાથી સારી છે. તેઓ સારવાર પ્રત્યે પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમને પૂરો વિશ્વાસ છે કે તેઓ ટૂંક સમયમાં આપણી વચ્ચે પરત ફરશે.

 આ પહેલા ડોકટરોએ પ્રણવ મુખર્જીના સ્વાસ્થ્યની સ્થિતિની જાણકારી આપી હતી. હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, તેમના સ્વાસ્થ્યમાં કોઈ ફેરફાર નથી જોવા મળ્યો અને તેમને વેન્ટીલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમની તબિયત હાલમાં સ્થિર છે. વિશેષજ્ઞોની એક ટીમ તેમની તબિયત પર સતત નજર રાખી રહી છે.

 નોંધનીય છે કે, પ્રણવ મુખર્જીને સોમવારે આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં તેમની બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. આ પહેલા તેમની કોવિડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

(2:44 pm IST)