Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ઓલ ઇન્ડીયા આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ટ્રન્સ ટેસ્ટ રદ કરવા સુપ્રિમમાં અપીલ

૧૭ ડોકટરોએ પુરતો સમય ન આપ્યાનું દર્શાવ્યું કારણ

નવી દિલ્હી,તા. ૧૭: લગભગ ૧૭ જેટલા બીએએમએસ/ બીએચએમએસ ડોકટરોએ સુપ્રીમમાં એક પીટીશન દાખલ કરીને ઓલ ઇન્ડીયા આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ટ્રન્સ ટેસ્ટ (એઆઇએપીજીઇટી) -૨૦૨૦ રદ કરવાની માંગણી કરી છે. આ ટેસ્ટ ૨૦ ઓગસ્ટે યોજાવાની છે. આ પીટીશન અલખ આલોક શ્રી વાસ્તવે ફાઇલ કરી છે. જેમાં કહેવાયું છે કે, કોરોના વાયરસના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આ ટેસ્ટ રદ કરવામાં આવે.

પીટીશનમાં અરજદારોએ જણાવ્યું છે કે, પરીક્ષાનું નોટીફીકેશન ૨ મહીનાથી ઓછા સમય પહેલા બહાર પાડવામાં આવ્યું છે. ઉપરાંત, ટેસ્ટ માટે પરિક્ષા કેન્દ્રોની સંખ્યા પણ પુરતી નથી. પીટીશનમાં એવી પણ દલીલ કરાઇ છે કે, કોરોનાની મહામારીના કારણે ઘણાં ડોકટરો  આ ટેસ્ટ આપવાથી વંચિત રહી શકે છે. કેમ કે ટેસ્ટ આપવા ઇચ્છુક ઘણાં ઉમેદવારો કાં તો સંક્રમિત થયા છે અથવા કવોરન્ટાઇનમાં છે.

અરજદારોમાંથી કેટલાક સંક્રમિત છે અથવા કવોરન્ટાઇનમાં હોવાથી આ ટેસ્ટ આપી શકે તેમ નથી. જે ભારતના બંધારણની કલમ ૧૪ હેઠળ સમાનતાના હકકના ભંગ સમાન છે. આ ઉપરાંત અમુક રાજ્યોમાં પુરની પરિસ્થિતી હોવા છતાં તેને ધ્યાનમાં નથી લેવામાં આવી. દરમ્યાન હજારો આયુષ યુનિ.ના વિદ્યાર્થીઓ સોશ્યલ મીડીયામાં આ ટેસ્ટ પાછી ઠેલવાની માંગણી કરી રહ્યા છે.

(2:48 pm IST)