Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

૬૫ % શહેરના લોકો પ્રાઇવેટ હોસ્પિટલો ઉપર નિર્ભર

૨૨ વર્ષમાં પણ નથી બદલી સ્થિતી

નવી દિલ્હી,તા. ૧૭: લગભગ બે દાયકાઓ પછી પણ આરોગ્ય સેવાઓ પર નિર્ભરતા બાબતે કોઇ મોટા ફેરફાર નથી થયા. ખાનગી હોસ્પિટલો પર નિર્ભરતા જેમની તેમ છે. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશ (એનએસઓ) ના એક તાજા રિપોર્ટ અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી આરોગ્ય સેવાઓ પર પણ શહેરી વિસ્તારોમાં ખાનગી આરોગ્ય સેવાઓ પર નિર્ભરતા વધી છે. ૬૫ ટકા શહેરી વસ્તી ખાનગી હોસ્પિટલો પર નિર્ભર છે.

હાલમાં બહાર પડાયેલ રિપોર્ટમાં કહેવાયું છે કે, ૫૪ ટકા ગ્રામ્ય લોકો સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયા જ્યારે ૪૬ ટકા સરકારી હોસ્પિટલોમાં દાખલ થયા. આ રિપોર્ટમાં જુલાઇ ૨૦૧૭થી જૂન -૨૦૧૮ના આંકડાઓ સામેલ કરવામાં આવ્યા છે. જુલાઇ ૧૯૯૫ થી જૂન ૧૯૯૬ દરમ્યાન કરાયેલ એનએસઓના સર્વે અનુસાર ૫૬ ટકા લોકો ખાનગી હોસ્પિટલોમાં અને ૪૪ ટકા સરકારી હોસ્પિટલોમાં દાખલ થયા હતા. આમ, ૨૨ વર્ષો પછી પણ ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી  આરોગ્ય સેવાઓ પર નિર્ભરતા ફકત ૨ ટકા જ વધી છે.

રિપોર્ટમાં શહેરી વિસ્તારોના આંકડાઓ પણ અપાયા છે. ૬૫ ટકા શહેરી વસ્તીએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવી જ્યારે ૩૫ ટકાએ સરકારી હોસ્પિટલોમાં આ અત્યારની સ્થિતી છે. ૨૨ વર્ષના પહેલાના એનએસઓના આંકડાઓ પર નજર નાખીએ તો ત્યારે ૫૭ ટકા શહેરી વસ્તી ખાનગી હોસ્પિટલોમાં અને ૪૩ ટકા સરકારી હોસ્પિટલોમાં સારવાર કરાવતી હતી. આ સ્પષ્ટ સંકેત છે કે શહેરી વિસ્તારોમાં જે પ્રકારે વસ્તીમાં વધારો થયો છે. તેના પ્રમાણમાં સરકારી આરોગ્ય સુવિધાઓ નથી વધી. તેના કારણે શહેરોમાં ખાનગી આરોગ્ય સેવાઓ પર નિર્ભરતામાં વધારો થયો છે.

(3:36 pm IST)