Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

સુશાંતસિંહ રાજપૂત મોત કેસમાં મિસ્‍ટ્રી ગર્લ રિયા ચક્રવર્તીના ભાઇ શૌવિક ચક્રવર્તીની મિત્ર જમીલા હોવાનું ખુલ્‍યુ

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. હવે જે મિસ્ટ્રી ગર્લ પર ખુબ હોબાળો મચ્યો હતો તેની ઓળખનો પણ ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મુંબઈ પોલીસે જે શંકાસ્પદ યુવતીનો ઉલ્લેખ કર્યો હતો તે રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીની મિત્ર જમીલા છે.

અત્રે જણાવવાનું કે 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની ખબર જાણીને તેના ઘર પર પ્રિયંકા ખેમાની, જમીલા અને મહેશ શેટ્ટી પહોંચ્યા હતાં. પરંતુ ઘટના સ્થળે હાજર પોલીસે તેમને અંદર જવા દીધા નહીં. જો કે ત્યારબાદ જમીલા સુશાંત સિંહના ઘરના સ્ટાફ મેમ્બર્સને મળીને નીકળી ગઈ હતી.

નોંધનીય છે કે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે રવિવારે સુશાંત સિંહ રાજપૂત કેસને સીબીઆઈને સોંપવાની ફરીથી ના પાડી દીધી. બોલિવૂડ હસ્તીઓથી લઈને વિપક્ષી દળો પણ સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી ઉઠાવતા રહ્યાં છે પરંતુ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે એકવાર ફરીથી કહ્યું કે આ કેસની તપાસ મુંબઈ પોલીસ જ કરશે. જો કે સુશાંત સિંહ રાજપૂતના મોતના બે મહિના બાદ પણ મુંબઈ પોલીસની તપાસ એક ડગલું પણ આગળ વધી નથી.

(5:29 pm IST)