Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

સુપ્રીમ કોર્ટ મને કોર્ટના તિરસ્કારની સજા કરે, હું તો જે સાચું હશે તો બોલીશ: પ્રશાંત ભૂષણ

ન્યાયતંત્રમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર સામે કોઇએ તો બોલવું પડે

નવી દિલ્હી : વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે ન્યાયતંત્રમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર માટે અવાજ ઊઠાવવો પડે. ભલે સુપ્રીમ કોર્ટ મને કોર્ટના તિરસ્કારની સજા કરે. હું તો જે સાચું હશે તો બોલીશ

 ભૂષણે કોર્ટમાં કહ્યું હતું કે ન્યાયતંત્રમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારને ડામવા હાલ કોઇ અસરકારક વ્યવસ્થા નથી. કોઇપણ જજને ઠપકો આપવાની પ્રક્રિયા (ઇમ્પીચમેન્ટ) પણ ખૂબ જટિલ અને રાજકીય કાવાદાવાથી ભરેલી છે. એટલે ન્યાયતંત્રમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર સામે કોઇએ તો બોલવું પડે.

 પ્રશાંત ભૂષણે 1995ની એક ઘટનાને ટાંકીને કોર્ટમાં લેખિત જવાબ આપ્યો હતો.1995માં સી રવિચંદ્રન અય્યર અને જસ્ટિસ એ એમ ભટ્ટાચાર્જી કેસમાં ખુદ સુપ્રીમ કોર્ટે એવો સંકેત કર્યો હતો કે બારના સભ્યો તેમજ અન્યોએ જજો વિરોધી અવાજ ઊઠાવવો જોઇએ. હવે તો એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે ન્યાયતંત્રમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારને ડામવાની પ્રક્રિયા જરાય અસરકારક કે પૂરતી નથી. જજ સામે ઇમ્પીચમેન્ટની પ્રક્રિયા પણ ખૂબ જટિલ અને રાજનૈતિક પરિબળોથી છવાયેલી છે. એટલે વર્તમાન સમયમાં ન્યાયતંત્રમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારને ડામવાની કોઇ વ્યવસ્થા નથી.

તેમણે કહ્યું કે સતત કાયદાનું કામ કરતા વકીલો જ ન્યાયતંત્રમાં જે ભ્રષ્ટાચાર છે એને પિછાણી શકે છે. માત્ર વકીલોજ અવાજ ઊઠાવી શકે. બંધારણે 19 (1) એ કલમમાં આપેલી લોકહિતમાં અવાજ ઊઠાવવાની સ્વતંત્રતા અન્વયે ન્યાયતંત્રના ભ્રષ્ટાચાર સામે અવાજ ઊઠાવવાની તક મળવી ઘટે છે. બંધારણની એ મૂળભૂત અધિકારોની જોગવાઇમાં ન્યાયતંત્રના ભ્રષ્ટાચાર સામે અવાજ ઊઠાવવાની જોગવાઇનો ઉમેરો કરવો જોઇએ.

છેલ્લાં થોડાં વરસોથી પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદા અને જજોના વર્તન અંગે સોશ્ય મિડિયા પર પોતાના અભિપ્રાય લખતા હતા. સુપ્રીમ કોર્ટે તેમને એક કરતાં વધુ વખત ચેતવણી આપી હતી. 2009માં પ્રશાંત ભૂષણે કરેલી ટકોર ઘણા જજોને ગમી નહોતી. તાજેતરમાં તેમણે ચીફ જસ્ટિસ એસ એ બોબડે અંગે પણ ટીકા કરી હતી.

(5:47 pm IST)