Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મુંબઈમાં નિર્માણાધીન ફલાયઓવરનો એક ભાગ તૂટ્યો : ૧૪ લોકો ઈજાગ્રસ્ત

બાંદ્રા કુર્લા કોમ્પ્લેકસમાં વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો

મુંબઇ,તા. ૧૭: મુંબઈનાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેકસમાં શુક્રવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં નિર્માણાધીન ફ્લાયઓવરનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટના સવારે ૪:૪૦ વાગ્યે બની હતી. ઘણા મજૂરો ફ્લાયઓવર નીચે દટાયા હોવાની આશંકા છે.

અકસ્માતની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. ફાયર બ્રિગેડનાં અધિકારીનાં જણાવ્યા અનુસાર, પ્રારંભિક બચાવ કાર્યમાં ૧૪ લોકોને ત્યાંથી બહાર કાઠવામાં આવ્યા છે અને નજીકની બીએન દેસાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ તમામને નાની મોટી ઈજાઓ થઈ છે. બચાવ કાર્ય ચાલુ છે અને અકસ્માતની સંપૂર્ણ વિગતોની રાહ જોવાઈ રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, બ્રિજનાં કાટમાળમાં અન્ય કોઈ ફસાયેલા હોવાની શકયતા અંગે ફાયરબ્રિગેડનાં જવાનો સતર્ક છે. આ સાથે જ બચાવ કામગીરી સાવધાનીપૂર્વક હાથ ધરવામાં આવી રહી છે. હાલ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ફ્લાયઓવરનો એક ભાગ કેવી રીતે પડ્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. ફાયર બ્રિગેડનાં જવાનો પણ તેમના સ્તરે તેની તપાસ કરી રહ્યા છે. પોલીસે વિસ્તારને કોર્ડન કરીને ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. શુક્રવારે વહેલી સવારે દેખાતા આ અકસ્માત બાદ સ્થાનિક લોકો સૌથી પહેલા પહોંચ્યા હતા, જેમણે ફાયર બ્રિગેડ સહિત પોલીસને અકસ્માત અંગે જાણ કરી હતી.

ઝોન ૮ નાં ડીસીપી મંજુનાથ સિંહે જણાવ્યું કે, બીકેસી મેઈન રોડ અને સાન્તાક્રુઝ-ચેમ્બુર લિંક રોડને જોડતા બાંધકામ હેઠળનાં ફ્લાયઓવરનો એક ભાગ આજે સવારે ૪.૩૦ વાગ્યે તૂટી પડ્યો હતો. આમાં ૧૪ લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ અકસ્માતમાં કોઈનું મોત થયું નથી અને કોઈ ગુમ પણ થયા નથી. આ પહેલા શુક્રવારે મુંબઈનાં માનખુર્દ વિસ્તારમાં સ્ક્રેપ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ૬ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

(9:59 am IST)