Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

કોંગ્રેસ નવા ટેલેન્ટની શોધમાં : નેતાઓનો તૂટો

બિહાર કોંગ્રેસમાં પ્રાણ ફુંકવા કન્હૈયાકુમાર તરફ મીટઃગુજરાત માટે જીજ્ઞેશ મેવાણી તરફ નજર

નવી દિલ્હીઃ જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ અને સુષ્મિતા દેવ જેવા દિગ્ગજ નામોનો સાથ છૂટ્યા બાદ કોંગ્રેસ પાર્ટી હવે નવુ ટેલેન્ટ શોધવામાં લાગી છે. પાર્ટી યુવા જોશને પોતાના સાથે લાવીને કૈડરમાં નવો પ્રાણ ફૂંકવા માગે છે. આ ટેલેન્ટ હન્ટમાં જવાહર લાલ નેહરૂ યુનિવર્સિટી (જેએનયુ)ના વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમારનું નામ જોડાઈ શકે છે.

એક વરિષ્ઠ કોંગ્રેસી નેતા દ્વારા મળતા અહેવાલ પ્રમાણે લેફ્ટ નેતા કન્હૈયા કુમારે તાજેતરમાં જ કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધીની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં, ગુજરાતના જિજ્ઞેશ મેવાણી પણ કોંગ્રેસના સંપર્કમાં છે અને રાહુલ ગાંધીને મળી ચુક્યા છે. તેવામાં બિહારથી લઈને ગુજરાત કોંગ્રેસ સુધી હલચલ વ્યાપી છે.

કન્હૈયા કુમારની રાહુલ ગાંધી સાથેની મુલાકાતને બિલકુલ ગોપનીય રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. એટલે સુધી કે, બિહારના કોંગ્રેસ પ્રભારી ભકત ચરણ દાસને પણ તેની ખબર નહોતી પડવા દેવામાં આવી.

કેટલાક લોકોનું માનવું છે કે, પાર્ટીમાં કન્હૈયા કુમારની એન્ટ્રી બિહાર કોંગ્રેસમાં પ્રાણ ફૂંકી શકે છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જે પ્રકારે હાર મળી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. બિહારમાં કોંગ્રેસના ગઠબંધન સાથી રાજદ અને લેફ્ટ પાર્ટીઓએ તેની સરખામણીએ સારૂ પ્રદર્શન કર્યું હતું.

કન્હૈયા કુમારના ભાષણ સતત વાયરલ થાય છે અને તેમની રેલીઓમાં ભારે ભીડ જામે છે. યુવાનોને તેમનો ભારે ક્રેઝ છે. જોકે કન્હૈયા કુમાર એક વખત લોકસભા ચૂંટણીમાં નસીબ અજમાવી ચુક્યા છે અને તેમાં ફેલ રહ્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના અવસાન બાદ ગુજરાતમાં નેતૃત્વની ઉણપ છે. અહેમદ પટેલ બાદ રાજીવ સાતવનું પણ અવસાન થયું તેવામાં કોંગ્રેસને ગુજરાતમાં ભાજપનો મુકાબલો કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

આ કારણે કોંગ્રેસને લાગે છે કે, જિજ્ઞેશ મેવાણી એક દલિત ચહેરા તરીકે પાર્ટીને થોડી મજબૂતી આપી શકે છે. નોંધવા જેવી વાત એ પણ છે કે, કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં જિજ્ઞેશ મેવાણી સામે કોઈ ઉમેદવાર નહોતો ઉતાર્યો.  

(11:39 am IST)