Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

દુનિયામાં ૩૪ કરોડ ૫૦ લાખ લોકો ભૂખમરા તરફ ઢસડાઈ રહ્યા છે

૭ કરોડ લોકો તો યુક્રેન યુદ્ધને લીધે ભૂખમરા તરફ ઢસડાયા છે : વિશ્વ અભૂતપૂર્વ સ્‍તરની અન્‍ન કટોકટી અનુભવી રહ્યું છેઃ યુનો

યુનો,તા. ૧૭: યુએન વર્લ્‍ડ ફૂડ પ્રોગ્રામના એક્‍ઝિક્‍યુટિવ ડાયરેકટર ડેવીડ બીસ્‍લેએ યુનોની સલામતી સમિતિમાં જણાવ્‍યું હતું કે, દુનિયાના ૮૨ દેશોના કુલ મળી ૩૪ કરોડ ૫૦ લાખ લોકો, અસામાન્‍ય ખાદ્ય અસલામતી અનુભવી રહ્યા છે. તે દેશોમાં તો આ સંસ્‍થા કોવિદ-૧૯ કરતાંએ અઢી ગણી કાર્યવાહી કરી રહેલ છે. તેમ છતાંયે આ પરિસ્‍થિતિ ઉપસ્‍થિત થઇ છે.

આ પરિસ્‍થિતિ તો તે મહામારી ૨૦૨૦માં શરૂ થઇ તે પહેલાંથી જ અસ્‍તિત્‍વમાં આવી છે.

સૌથી વધુ ખેદજનક વાત તો તે છે કે દુનિયાના૪૫ દેશોમાં ૫૦ કરોડ લોકો તો અસામાન્‍ય કુપોષણનો ભોગ બન્‍યા છે અને તેઓ દુષ્‍કાળ ઓવારે આવી પહોંચ્‍યા છે.

એક સમયે જે ભૂખમરોનું મોજું હતું તે ભૂખનું સુનામી બળી રહ્યું છે. તેમ ડેવીડ બીસ્‍લેએ જણાવ્‍યું હતું. આ સાથે તેઓ વધી રહેલા સંઘર્ષ અને મહામારીની તરંગ અસરો ઋતુ પરિવર્તન વધી રહેલા બળતણના ભાવ અને યુક્રેન યુદ્ધ તરફ પણ ધ્‍યાન દોર્યું હતું. તેમણે કહ્યું હતું કે ફેબુ્રઆરી ૨૪ના દિને રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ કર્યું ત્‍યારથી અન્ન ઊર્જા અને ખાતર કટોકટી ઉભી થતાં ૭ કરોડ લોકો તો ભૂખમરા તરફ ઢસડાયા હતા.

રશિયા સાથે યુનોએ એવા કરારો કર્યા હતા કે તે યુક્રેનનું અનાજ કાળા સમુદ્રના માર્ગે જવા દે પરંતુ જે ૩ બંદરોએથી આ અન્ન નિકાસ કરવાનું હતું. તે ત્રણ બંદરો જ રશિયાએ અવરોધ્‍યાં છે. અને રશિયાનાં રાસાયણિક ખાતરો ફરી વિશ્વ-બજારમાં ધક્કેલવા પ્રયત્‍નો કરે છે.

આ વર્ષે જ વિશ્વના જુદા જુદા ભાગોમાં દુષ્‍કાળ પડવાનો ભય તોળાઈ રહ્યો છે, અને જો આપણે સમયસર પગલાં નહીં લઈએ તો ૨૦૨૩માં વધી રહેલા અન્નના ભાવ એટલા ઊંચા જશે કે તે અન્ન પ્રાપ્તિની પણ કટોકટી ઉભી કરી શકશે.

અત્‍યારે જ યુથોપિયા, ઉત્તર પૂર્વ નાઇજીરિયા, દક્ષિણ સુદાન અને યમનમાં દુષ્‍કાળના ઓળા ઉતરી રહ્યા છે, તેવામાં યુદ્ધોએ પરિસ્‍થિતિ વધુ વણસાવી છે. વિશ્વમાં અનેક સ્‍થળોએ સંઘર્ષ ચાલી જ રહ્યો છે. બેસ્‍લી અને યુનોના માનવ સહાયના વડા ગ્રિફીથે તેમાં અફઘાનિસ્‍તાન પણ ઉમેર્યું છે. 

(10:16 am IST)