Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

આઈએમએફનો પાક.ને લોન આપવા સ્પષ્ટ ઈનકાર

કંગાળ પાકિસ્તાનની કથળતી આર્થિક સ્થિતિ : પાકિસ્તાનનાં નાણાં સચિવે આઈએમએફને મનાવવા માટે વોશિંગ્ટનમાં ધામાં નાખ્યા પણ વાત બની રહી નથી

વોશિંગ્ટન,તા.૧૭ : લોન પર લોન લઈને દેશને ચલાવી રહેલા પાકિસ્તાનને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આઈએમએફ દ્વારા મોટો ઝાટકો મળ્યો છે.

આઈએમએફ પાસે પાકિસ્તાને એક અબજ ડોલરની લોન માંગી હતી.જે આપવાની આઈએમએફે ના પાડી દીધી છે.ઈમરાનખાન સરકારે આઈએમએફને મનાવવા માટે દેશમાં વીજળી, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભારે વધારો કર્યો છે પણ આમ છતા આઈએમએફને સંતોષ થયો નથી.હવે પીએમ ઈમરાનખાનને ચીન અથવા ગલ્ફના દેશો સામે હાથ લંબાવવો પડશે.

આઈએમએફે આ પહેલા પાકિસ્તાન સરકારે કરેલા કાલાવાલા બાદ પાકિસ્તાનની ઈકોનોમીને બચાવવા માટે ૬ અબજ ડોલરની વધારાની લોન આપી હતી અને તેનો પહેલો હપ્તો એક અબજ ડોલર સ્વરુપે મળવાનો હતો.જોકે પાકિસ્તાન અને આઈએમએફ વચ્ચે આ મુદ્દે સમંતિ થઈ નથી.

પાકિસ્તાનના નાણા સચિવ આઈએમએફને મનાવવા માટે વોશિંગ્ટનમાં ધામાં નાખ્યા છે પણ વાત બની રહી નથી.ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે ૧૦ અને ૧૨ રુપિયાનો વધારો કર્યો છે.બીજી તરફ વીજળીના રેટ પ્રતિ યુનિટ ૧.૩૯ રુપિયા વધારાય છે.

દરેક પાકિસ્તાની પર હાલમાં ૧.૭૫ લાખ રુપિયાનુ દેવુ છે.જેમાં ઈમરાનખાન સરકારનુ યોગદાન ૫૪૦૦૦ રુપિયાનુ છે.આ બોજો છેલ્લા બે વર્ષમાં જ વધ્યો છે.

(9:29 pm IST)