Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ઈતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસ સૌથી ઓછા ઉમેદવારોને ચૂંટણી લડાવશે : કોંગ્રસે કહ્યું -આ અમારી નબળાઈ નથી પરંતુ રણનીતિ

જયરામ રમેશે 2004ની લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતુ કે ત્યારે પણ અમે ઈતિહાસમાં સૌથી ઓછી બેઠકો પરથી લડી અને અમારા સાથીઓ માટે બેઠકો છોડી હતી અને પરિણામો આવ્યા ત્યારે સરકાર બદલાઈ ગઈ

નવી દિલ્હી : સતત બે ટર્મથી હારનો સામનો કરનારી કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2024માં જીત હાંસલ કરવા માટે સૌથી ઓછા ઉમેદવારો ઉતારવા જઈ રહી છે. ઈતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસ તરફથી આશરે 330 બેઠકો પર ઉમેદવારો ઉભા થશે. આ અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે કે, આ અમારી નબળાઈ નથી પરંતુ રણનીતિ છે. 

કોંગ્રેસ નેતા જયરામ રમેશે 20 વર્ષ જૂના 2004ની લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતુ કે, ત્યારે પણ અમે ગઠબંધનમાં ચૂંટણીના રણમેદાનામાં ઉતર્યા હતા. અને તે સમયે પણ ઈતિહાસમાં સૌથી ઓછી બેઠકો પરથી લડી રહ્યા હતા. ત્યારે પણ અમે અમારા સાથીઓ માટે બેઠકો છોડી હતી અને પરિણામો આવ્યા ત્યારે સરકાર બદલાઈ ગઈ.

  કોંગ્રેસે 2004માં 417 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખી જીત હાંસલ કરી હતી. પરંતુ તેની તુલનાએ 2024નો આંકડો ઘણો ઓછો છે. 2009માં 440 બેઠકો, અને 2014માં 464 બેઠકો પરથી ઉમેદવારોએ નોમિનેશન નોંધાવ્યું હતું. જો કે, બાદમાં 2019માં 421 બેઠકો પરથી લડી હતી. 

  જયરામ રમેશે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, અમે ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને બંગાળ જેવા મોટા રાજ્યોમાં પોતાના સાથીદારો સાથે બેઠકો માટે સમાધાન કરી રહ્યા છીએ. તમે મારા શબ્દો યાદ રાખજો, 2024માં પણ 2004 જેવી સ્થિતિ સર્જાશે. અમે જાણીજોઈને બેઠકો ઘટાડી છે. અમે એક અસરકારક ગઠબંધન તૈયાર કરવા માગીએ છીએ. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને INDIA  ગઠબંધનને સ્પષ્ટ બહુમતિ મળશે. ચૂંટણી બાદ કોઈપણ પક્ષ કે એનડીએના હારનારા સાથીદારોની જરૂર પડશે નહિં.

   

(12:38 am IST)