Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

સોનાની ખરીદીમાં ૭૦ ટકાનો ઘટાડો

સોનાના ભાવમાં સતત વધારાને કારણે ગ્રાહકો દ્વારા અપનાવાતી થોભો અને રાહ જુઓની નીતિ : પ્રસંગ સાચવવા જૂની જ્વેલરી આપી નવી બનાવવાનો ટ્રેન્ડ વધ્યોઃ જ્વેલરી રિસાઇકલમાં ૫૦ ટકાનો વધારો

મુંબઇ,તા. ૧૮: સોનાના ભાવમાં થઇ રહેલા સતત વધારાની અસર જવેલરી ઇન્ડસ્ટ્રીઝ પર પણ દેખાવા માંડી છે, કારણ કે સોનાના ભાવમાં વધારો થવાના લીધે નવી ખરીદીમાં સીધો ૭૦ ટકાનો ઘટાડો થઈ ગયો છે. જયારે પ્રસંગમાં વ્યવહાર સાચવવા માટે ગાહકો દ્વારા જૂની જવેલરી આપીને નવી ડિઝાઇનની જવેલરી બનાવવામાં ૫૦ ટકાનો વધારો થયો છે.

સામાન્ય દિવસોમાં આ તમામ જવેલર્સ મળીને અંદાજિત ૫૦ કરોડની આસપાસનું સોનાનું વેચાણ રોજ કરવામાં આવતું હોય છે. તેમાં પણ લગ્નસરા અથવા અન્ય સિઝન આવે ત્યારે તેમાં વધારો પણ જોવા મળતો હોય છે, પરંતુ હાલમાં ચાલી રહેલા યુદ્ઘને કારણે સોનાના ભાવમાં ધરખમ વધારો થયો છે. ભાવવધારાની અસર સીધી જવેલરી ઉદ્યોગકારો પર જોવા મળી છે, કારણ કે પહેલા સોનાનો ભાવ ૬૦ હજારની આસપાસ હતો ત્યારે પણ ખરીદી જોવા મળતી હતી, જયારે હાલમાં તો કોઇ દિવસ એક ગ્રાહક પણ દુકાનમાં આવતો નહીં હોવાના અનુભવ અનેક જવેલર્સને થઈ રહ્યા છે.

જોકે એક બાબત એ સારી છે કે લગ્નસરા અથવા પ્રસંગ સાચવવા માટે ગ્રાહકો પાસે જે જૂની જવેલરી હોય તેને પરત આવીને નવી ડિઝાઇનની જવેલરી બનાવવામાં સીધો ૫૦ ટકાનો વધારો થયો છે, તે માટેનું કારણ એવું પણ છે કે હાલમાં જે રીતે સોનાનો ભાવ છે તેને ધ્યાને રાખીને પ્રસંગ સાચવી લેવામાં આવે ત્યારબાદ તેમાં ઘટાડો થાય ત્યારે નવું સોનું ખરીદી લેવામાં આવશે. આવા કારણોસર જવેલરી ઉદ્યોગકારો સોનાના ભાવમાં ઘટાડો થાય તો ઘણી રાહત થવાની આશા સેવી રહ્યા છે. (૨૨.૭)

ભાવ વધવાને કારણે ઘરાકી પર સીધી અસર પડી

ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ઘને કારણે સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે. આ વધારાની સીધી અસર જવેલરી ઉદ્યોગ પર પડી છે. કારણ કે સામાન્ય દિવસો કરતા હાલમાં માત્ર ૩૦ ટકા જ વેપાર થઇ રહ્યો છે. જયારે લોકો દ્વારા વધુમાં વધુ જૂની જવેલરી લાવીને તેને નવી બનાવવાની કામગીરી કરાવવામાં આવી રહી છે. હાલમાં જવેલર્સને ત્યાં સારી એવી ઘરાકી જોવા મળતી હોય છે. કારણ કે લગ્નસરામાં ઘરાકી રહેતી હોય છે, પરતુ હાલની સ્થિતિમાં તે ઘરાકીમાં પણ સીધો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગ્રાહકની માંગ પ્રમાણે જવેલરી બનાવવાનું ચલણ વધ્યું

સોના-ચાંદીના ભાવમાં વધારાના કારણે હવે મોટાભાગના જવેલર્સ નવી ડિઝાઇનની જવેલરી તૈયાર કરીને મૂકી રાખવાના બદલે ગ્રાહક દ્વારા જે પ્રમાણેની માગણી કરવામાં આવે તે રીતની જવેલરી બનાવી આપવામાં આવે છે. તે માટેનું કારણ એવું છે કે ભાવમાં કયારે વધારો થાય કયારે ઘટાડો થાય તે હાલના સમયમાં કહી શકાય તેમ નથી. આવા કારણોસર વેપારમાં નુકસાન વેઠવાની નોબત ઊભી થઇ શકે તેમ છે. આવા તમામ પાસાંઓને ધ્યાને રાખીને જે રીતે ગ્રાહક ખરીદી કરી રહ્યા છે તે જ પ્રમાણે નાના જવેલર્સ પણ વેપાર કરી રહ્યા છે. (જ્વેલર્સ)

(9:52 am IST)