Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

શું શરદી-તાવ-ઉધરસની દવા કરિયાણાની દુકાનેથી મળશે? સરકાર લેશે મોટો નિર્ણય

OTC એવી દવાઓને માનવામાં આવે છે જે ડોકટરની ચિઠ્ઠી વગર વેંચી શકાય છે

નવી દિલ્હી,તા. ૧૮: શરદી, ઉધરસ અને તાવમાં વપરાતી દવાઓ પણ જનરલ સ્ટોર પર ઉપલબ્ધ કરાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી આ અંગે સત્ત્।ાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. શકય છે કે OTCની નીતિ પર કામ કરતી સમિતિ એટલે કે ઓવર ધ કાઉન્ટર દવાઓ આ સૂચન પર વિચાર કરી રહી હોય. હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, 'અમેરિકા જેવા ઘણા દેશોમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી દવાઓ કરિયાણાની દુકાનો પર પણ ઉપલબ્ધ છે. ભારતની ઓટીસી પોલિસી પર કામ કરી રહેલા કેટલાક નિષ્ણાતો તરફથી એક સૂચન પણ આવ્યું છે, જેમાં અહીં પણ આવી સિસ્ટમ શરૂ કરવાની વાત કરવામાં આવી છે, જેથી ગ્રામીણ વિસ્તારોમાં એકસેસ સુધારી શકાય. જો કે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

વાસ્તવમાં, OTC એવી દવાઓ માનવામાં આવે છે જે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાય છે. અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં દવાઓ સંબંધિત માર્ગદર્શિકા ખૂબ જ સ્પષ્ટ છે. ફેબ્રુઆરીમાં જ, આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અતુલ ગોયલ દ્વારા નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેને ભારતની OTC દવા નીતિ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

અહેવાલ છે કે સમિતિએ કાઉન્ટર પર વેચી શકાય તેવી દવાઓની પ્રથમ યાદી પણ સુપરત કરી છે. આ દવાઓ અંગે ચર્ચા કરવા માટે સોમવારે જ એક બેઠક પણ બોલાવવામાં આવી હતી. અહેવાલ અનુસાર, એક સૂત્રએ જણાવ્યું હતું કે, 'ભારતમાં પ્રિસ્ક્રિપ્શન દવાઓનું નિયમન છે, પરંતુ કાઉન્ટર પર વેચી શકાય તેવી કોઈ માર્ગદર્શિકા અથવા સૂચિ નથી.' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'જો કોઈ દવાને પ્રિસ્ક્રિપ્શન ઓન્લી ડ્રગ તરીકે ખાસ લેબલ કરવામાં ન આવે તો તેને OTC ગણવામાં આવે છે.'

(9:54 am IST)