Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ઈન્ડોનેશિયામાં ફરી એક વખત રૃઆંગ જ્વાળામુખી એક્ટિવ થયો

રાખના વાદળ આકાશમાં છવાયાઃજ્વાળામુખીમાં થઈ રહેલા વિસ્ફોટને લીધે ૮૦૦ લોકોને સલામત સ્થાને પહોંચાડવામાં આવ્યા છે

જાકાર્તા ,તા.૧૮

ઈન્ડોનેશિયામાં ફરી એક વખત રૃઆંગ જ્વાળામુખી એક્ટિવ થઈ રહ્યો છે. દેશના ઉત્તરના સુલાવેસી પ્રાંતમાં રૃઆંગ જ્વાળામુખીમાં થઈ રહેલા વિસ્ફોટને લીધે ૮૦૦ લોકોને સલામત સ્થાને પહોંચાડવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાએ દિવસોથી આ જ્વાળામુખીમાંથી લાવા વહી રહ્યો છે. સાથે રાખ પણ ઉડતા આકાશમાં રાખનાં વાદળ છવાઈ ગયા છે. પ્રાંતીય મુખ્ય શહેર માનદોથી આશરે ૧૦૦ કી.મી. (૬૨ માઈલ) દૂર આવેલા રૃઆંગ દ્વિપ સ્થિત આ જ્વાળામુખી મંગળવારથી હજી સુધીમાં ત્રણથી વધુ વખત ફાટયો છે.

એક અધિકારી હેરૃનિંગત્યાસ દેશી પૂર્ણ માસરીએ પત્રકારોને જણાવ્યું હતું કે જ્વાળામુખીની વધી રહેલી કાર્યવાહીને લક્ષ્યમાં રાખી ચેતવણીનું સ્તર વધારી દેવાયું છે. આ વિસ્ફોટનું કારણ કહેતા તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં થયેલા ભુકંપોને લીધે આ જ્વાળામુખી ફાટયો હોવાનું અનુમાન છે. આથી આકાશમાં ૧.૮ કિ.મી. (૧.૧ માઈલ) સુધી ખતરનાક અને ગર્મ વાદળ છવાયેલા દેખાતા હતા અને લોકોને નિકટતમ દ્વિપ ટૈગુલાન ડાંગમાં ફેરવ્યા છે.

ઉલ્લેખનીય તે છે કે પેસિફિકની 'રિંગ ઓફ ફાયર'નો એક કાંટો ઈન્ડોનેશિયા તરફ પણ ફેલાયેલો છે.

તે ભૂકંપનીય ગતિવિધિ માટે પણ કારણભુત છે. આ ક્ષેત્ર કેટલીએ ટેકટોનિક પ્લેટો ઉપર આવેલું છે.

(7:54 pm IST)