Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

૧૩ વર્ષનો સૌથી ઉંચો આંકડો

લ્યો બોલો... લોકડાઉન - કોરોનાકાળમાં પણ સ્વીસ બેંકોમાં ભારતીયોની મુડીમાં વધારો

૨૦૨૦માં સ્વિત્ઝરલેન્ડની બેન્કોમાં ભારતીયો અને ભારતીય કંપનીઓની જમાપૂંજી વધીને ૨.૫૫ અબજ સ્વિસ ફ્રેન્કસ (૨૦,૭૦૦ કરોડ રૂપિયાથી વધુ) એ પહોંચી ગઇ છે : કસ્ટમર ડિપોઝિટમાં બીજા વર્ષે પણ સતત ઘટાડો નોંધાયો હતો : ૨૦૧૧, ૨૦૧૩ અને ૨૦૧૭ના વર્ષોને છોડીને જમા રકમમાં ઘટાડો નોંધાયો

બર્ન તા. ૧૮ : કોરોના કાળમાં વૈશ્વિક સ્તરે આવેલી આર્થિક તંગી વચ્ચે પણ વર્ષ ૨૦૨૦માં ભારતીયોએ સ્વિસ બેન્કોમાં મોટા પ્રમાણમાં પૈસા જમા કરાવ્યા છે. ૨૦૨૦માં સ્વિત્ઝરલેન્ડની બેન્કોમાં ભારતીયો અને ભારતીય કંપનીઓની જમાપૂંજી વધીને ૨.૫૫ અબજ સ્વિસ ફ્રેન્કસ (૨૦,૭૦૦ કરોડ રુપિયાથી વધુ) એ પહોંચી ગઇ છે. ખાસ મુદ્દો એ છે આ આંકડો વિતેલા ૧૩ વર્ષનો સૌથી ઉંચો આંકડો છે. જેમાં સ્વિસ બેન્કોની ભારતમાં સ્થિત બ્રાન્ચ અને અન્ય નાણાંકીય સંસ્થાઓ દ્વારા જમા કરેલો આંકડો પણ સામેલ છે. ભારતીયો દ્વારા સ્વિસ બેન્કોમાં જમાપૂંજી વધવા પાછળનું કારણ સિકટોરિટીઝ અને અન્ય વિકલ્પો દ્વારા હોલ્ડિંગ્સમાં તેજી માનવામાં આવે છે. જોકે કસ્ટમર ડિપોઝિટમાં બીજા વર્ષે પણ સતત ઘટાડો નોંધાયો હતો. આ માહિતી સ્વિત્ઝરલેન્ડના કેન્દ્રિય બેન્ક દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા વાર્ષિક અહેવાલથી સામે આવી હતી.

આ પહેલા સતત બે વર્ષ માટે ભારતીયો દ્વારા સ્વિસ બેન્કોમાં જમા રકમમાં ઘટાડો આવ્યો હતો. માહિતી મુજબ ૨૦૧૯ના અંતમાં સ્વિસ બેન્કોમાં ભારતીયો અને ભારતીય કંપનીઓની ડિપોઝીટનો આંકડો ૮૯.૯ કરોડ ફ્રેન્કસ (૬,૬૨૫ કરોડ રૂપિયા) હતો. સ્વિસ નેશનલ બેન્ક (SNB)ના ડેટા પ્રમાણે આ પહેલા ૨૦૦૬માં સ્વિસ બેન્કોમાં ભારતીયોની ડિપોઝીટ આશરે ૬.૫ અબજ સ્વિસ ફ્રેન્કસ (CHF) હતી. જે પછી ૨૦૧૧, ૨૦૧૩ અને ૨૦૧૭ના વર્ષોને છોડીને જમા રકમમાં ઘટાડો નોંધાયો હતો.

SNBના જણાવ્યા મુજબ ૨૦૨૦ના અંત સુધી સ્વિસ બેન્કોમાં ભારતીયો અને ભારતીય કંપનીઓના કુલ ૨૦,૭૦૦ કરોડ રુપિયા જમા રકમમાં ૪,૦૦૦ કરોડ રુપિયાથી વધુ કસ્ટમર ડિપોઝીટ, ૩૧૦૦ કરોડ રૂપિયાથી વધુ અન્ય બેન્કો દ્વારા, ૧૬.૫ કરોડ રૂપિયા ટ્રસ્ટ દ્વારા અને ૧૩૫૦૦ કરોડ રૂપિયા બોન્ડ, સિકયોરિટીઝ અને અન્ય નાણાંકીય વિકલ્પો દ્વારા આવ્યા.

આ સત્તાવાર આંકડા બેન્કોએ સ્વિસ નેશનલ બેન્કને રિપોર્ટમાં આપ્યા છે. જે સ્વિસ બેન્કોમાં ભારતીયોની કાળા નાણાંને દર્શાવતાં નથી. સ્વિસ નેશનલ બેન્ક મુજબ, સ્વિસ બેન્કોમાં ભારતીયોના જમા રૂપિયાના મૂલ્યાંકનમાં વ્યકિતઓ, બેન્કો અને એન્ટરપ્રાઇઝિસ તરફથી જમા સહિત સ્વિસ બેન્કોના ભારતીય ગ્રાહકોના તમામ પ્રકારના ફંડને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.

(11:36 am IST)