Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

આસામના ધારાસભ્ય રૂપજ્યોતિ કુર્મીએ પાર્ટી છોડી : કહ્યું -રાહુલ નેતૃત્વ સાંભળશે તો પાર્ટી આગળ નહીં વધે

ચાર વખત ધારાસભ્ય બનેલા રૂપજ્યોતિ કુર્મીએ રાજીનામાની જાહેરાત કરતા કોંગ્રેસને મોટો ઝાટકો: રૂપજ્યોતિ કુર્મીએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ હાઈકમાન્ડ યુવાનોની વાત સાંભળવા માંગતું નથી

નવી દિલ્હી : કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી અંદરો અંદર ચાલી રહેલો આંતરિક કલહ હવે બહાર આવી રહ્યો છે. પાર્ટીમાંથી યુવા નેતાઓની વિદાય સતત ચાલુ છે. હવે આસામના ધારાસભ્ય રૂપજ્યોતિ કુર્મીએ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. રૂપજ્યોતિ કુર્મીનો આક્ષેપ છે કે, કોંગ્રેસ પાર્ટી યુવાનોનો અવાજ સાંભળી રહી નથી.

રૂપજ્યોતિ કુર્મીએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ હાઈકમાન્ડ યુવાનોની વાત સાંભળવા માંગતું નથી, તેથી તમામ રાજ્યોમાં પાર્ટીની સ્થિતિ કથળી રહી છે. રૂપજ્યોતિ કુર્મીએ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી નેતૃત્વ કરવામાં અસમર્થ છે, જો તેઓ કોંગ્રેસની કમાન સંભાળે છે, તો પાર્ટી આગળ નહીં વધે.

અસમથી ચાર વખતથી વધારે ધારાસભ્ય બનેલા રૂપજ્યોતિ કુર્મીએ રાજીનામાની જાહેરાત કરતા કોંગ્રેસને મોટો ઝાટકો આપ્યો છે. રૂપજ્યોતિ કુર્મી ભાજપમાં જોડાય તેવી અટકળો લાગાવવામાં આવી રહી છે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે કોંગ્રેસનો હાથ છોડીને કેસરીયો ધારણ કર્યો હતો અને નવીન જિંદલની પણ પાર્ટી છોડવાની ખબરો ચર્ચામાં છે.

(1:45 pm IST)