Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

મહારાષ્ટ્રમાં કોરોનાએ ફૂફાડો માર્યો : છેલ્લા 24 કલાકમાં 4165 કેસ નોંધાયા: 12 ફેબ્રુઆરી પછી સૌથી વધુ કેસ

નવા કેસોમાંથી મુંબઈમાં 2 હજાર 255 કેસ:રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 21 હજાર 749 થઈ ગઈ

મુંબઈ :મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ ફરી એકવાર ઝડપથી વધવા લાગ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 165 નવા કેસ નોંધાયા છે. મોટી વાત એ છે કે કુલ નવા કેસોમાંથી રાજધાની મુંબઈમાં  2 હજાર 255 કેસ નોંધાયા છે. હવે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 21 હજાર 749 થઈ ગઈ છે, જેમાંથી 13 હજાર 301 એક્ટિવ કેસ માત્ર મુંબઈના છે. એના એક દિવસ પહેલા રાજ્યમાં કોરોનાના ચાર હજાર 255 કેસ નોંધાયા હતા. રાજ્યમાં 12 ફેબ્રુઆરી પછી એક જ દિવસમાં નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન મુજબ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 79 લાખ 27 હજાર 862 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાંથી એક લાખ 47 હજાર 883 લોકોના મોત થયા છે, જ્યારે 77 લાખ 58 હજાર 230 લોકો સાજા થયા છે. રાજ્યમાં હવે 21 હજાર 749 એક્ટિવ કેસ છે એટલે કે આટલા લોકોની સારવાર ચાલી રહી છે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટિન મુજબ મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 643 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી બે હજાર 255 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. મુંબઈમાં આજે કોરોનાને કારણે બે લોકોના મોત થયા છે. જે બાદ શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 19 હજાર 580 લોકોના મોત થયા છે. માહિતી અનુસાર, મુંબઈનો રિકવરી રેટ હવે 97 ટકા છે.

(12:32 am IST)