Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાનું નામ પાછું ખેંચતા ફારૂક અબ્દુલ્લા

કાશ્મીરમાં ફરી સત્તા હાંસલ કરવા પર નજર : તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેમના નામની દરખાસ્ત કરવા બદલ વિપક્ષી નેતાઓનો આભાર માન્યો

જમ્મુ, તા.૧૮ : નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત વિપક્ષના ઉમેદવાર તરીકેનું પોતાનું નામ પાછું ખેંચતા કહ્યું છે કે, તેઓ ખુબ જ મહત્વપૂર્ણ સમયમાંથી પસાર થઈ રહ્યા છે જમ્મુ કશ્મીરમાં ફરીથી સત્તા હાંસલ કરવા માટે પોતાની ભુમિકા નિભાવવા માંગે છે. જોકે તેમણે આગામી મહિને યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેમના નામની દરખાસ્ત કરવા બદલ વિપક્ષી નેતાઓનો આભાર માન્યો હતો.

લોકસભાના સભ્યએ કહ્યું હતું કે, ભારતના રાષ્ટ્રપતિ પદ માટે સંયુક્ત વિપક્ષના સંભવિત ઉમેદવાર તરીકે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પ્રસ્તાવ મુક્યો હતો. અબ્દુલ્લાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'મમતા દીદી દ્વારા મારા નામનો પ્રસ્તાવ મૂક્યા બાદ મને ઘણા વિપક્ષી નેતાઓના ફોન આવ્યા અને તેઓ ઉમેદવાર તરીકે મારા નામનું સમર્થન કરી રહ્યા છે.'

નેશનલ કોન્ફરન્સના વડાએ કહ્યું હતું કે, તેમણે પોતાની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને પરિવારના સભ્યો સાથેઆ 'અપ્રત્યાશિત' વિકાસની ચર્ચા કરી હતી. મને જે સમર્થન મળ્યું છે તેનાથી હું ખૂબ જ ખુશ છું અને સન્માન અનુભવી રહ્યો છું કે, દેશના સર્વોચ્ચ પદ માટે મારા નામની વિચારણા કરવામાં આવી છે. હું માનું છું કે, જમ્મુ કાશ્મીર આ સમયે ખુબ જ મહત્વપૂર્ણ સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને આ અનિશ્ચિત સમયમાં તેને મારા પ્રયત્નોની જરૂર છે.

જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કહ્યું હતું કે, તેઓ માને છે કે, સક્રિય રાજકારણમાં ઘણું કરવાનું બાકી છે અને તેઓ જમ્મુ-કાશ્મીર તથા દેશની સેવામાં ઘણું બધું કરવા માંગે છે. તેમણે કહ્યું છે કે, તેથી હું આદર સાથે મારૃં નામ પાછું ખેંચવા માંગું છું અને હું સંયુક્ત વિપક્ષના ઉમેદવારને સમર્થન આપીશ.

(8:09 pm IST)