Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

શિવસેનાએ તેના ધારાસભ્યોને પવઈની હોટલમાં શિફ્ટ કર્યા

મહારાષ્ટ્રમાં એમએલસીની ચૂંટણીમાં હોર્સ ટ્રેડિંગનો ડર : વિધાન પરિષદની ચૂંટણી થવાની આશા છે કેમ કે વિધાન પરિષદની ૧૦ ખાલી બેઠક માટે ૧૧ ઉમેદવાર મેદાનમાં છે

મુંબઈ, તા.૧૮ : મહારાષ્ટ્રમાં વિધાન પરિષદ ચૂંટણી પહેલા શિવસેનાએ ગુરૂવારે પોતાના ધારાસભ્યોને પૂર્વોત્તર મુંબઈના પવઈમાં એક લગ્ઝરી હોટલમાં શિફ્ટ કરી દીધા છે. ગયા અઠવાડિયે થયેલી રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ બાજી મારી ગયુ જેના કારણે શિવસેનાએ અગમચેતીના પગલા રૂપે આ નિર્ણય લીધો છે. ગુરૂવારે મોડી રાતે શિવસેનાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરે પણ હોટલ પહોંચી ગયા.

સત્તારૂઢ મહા વિકાસ અઘાડીનુ નેતૃત્વ કરનારી પાર્ટીએ પોતાના ધારાસભ્યોને ઉચ્ચ નેતાઓની સાથે બેઠક માટે બોલાવ્યા હતા. બેઠક બાદ શિવસેના નેતા અનિલ દેસાઈએ મીડિયાને કહ્યુ કે પાર્ટીના તમામ ધારાસભ્યોને રાજ્યના ઉચ્ચ સદન માટે ૨૦ જૂને થનારી ચૂંટણી અને મતદાન પ્રક્રિયા દરમિયાનની સાવધાનીઓ વિશે સામાન્ય નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યુ, તમામ નિર્દળીય ધારાસભ્ય અને નાના દળ મહા વિકાસ અઘાડીનુ સમગ્ર રીતે સમર્થન કરી રહ્યા છે.

રાજ્યસભા ચૂંટણીની જેમ જ વિધાન પરિષદની ચૂંટણી થવાની આશા છે કેમ કે વિધાન પરિષદની ૧૦ ખાલી બેઠક માટે ૧૧ ઉમેદવાર મેદાનમાં છે. એમએલસી ચૂંટણીની દોડમાં ભાજપના ૫ ઉમેદવાર- પ્રસાદ બાલક, શ્રીકાંત ભારતીય, પ્રવીણ દરેકર, ઉમા ખાપરે, રામ શિંદે સામેલ છે. જ્યારે કોંગ્રેસ, શિવસેના અને રાકાંપાથી બે-બે ઉમેદવાર મેદાનમાં છે. શિવસેનામાંથી સચિન અહિર અને નંદૂરબારના શિવસેના જિલ્લા પ્રમુખ આમશા પાડવી નામાંકન દાખલ કરાવી ચૂક્યા છે. એનસીપીમાંથી રામરાજે નાઈક નિંબાલકર અને એકનાથ ખડસે નામાંકન દાખલ કરાવી ચૂક્યા છે.

૨૦ જૂને ૩૦ બેઠકો પર ચૂંટણી છે, જેમાં ૧૩ બેઠકો ઉત્તર પ્રદેશ, ૧૦ મહારાષ્ટ્ર અને ૭ બેઠક બિહારની છે. ઉત્તર પ્રદેશમાં ૧૩માંથી ૧૨ બેઠકો ૬ જુલાઈએ ખાલી થઈ રહી છે, જેમાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની બેઠક પણ છે. સીએમ યોગી આદિત્યનાથની બેઠક ૨૨ માર્ચે ખાલી થઈ ગઈ હતી. બીજેપીએ બિહારથી હરિ સાહની અને અનિલ શર્માને ટિકિટ આપી છે.

બિહારમાં ૭ બેઠકો પર ચૂંટણી છે. જેમાંથી ૨ પર ભાજપ અને ૨ પર જદયૂને જીત મળતી જોવા મળી રહી છે. રાજદે ૩ બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે પરંતુ જો કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારે છે. તો એક બેઠક પર રાજદનો ખેલ ખરાબ થઈ શકે છે.  મહારાષ્ટ્રની ૧૦ બેઠકોમાંથી ૪ પર ભાજપનુ જીતવુ નક્કી માનવામાં આવી રહ્યુ છે. આ સિવાય એનસીપી ૨ અને કોંગ્રેસનુ ૧ પર જીતવુ નક્કી માનવામાં આવી રહ્યુ છે. શિવસેના ૨ બેઠક પર જીતી શકે છે. છેલ્લી બેઠક પર પેંચ ફસાઈ શકે છે. ત્યાં યુપીની ૧૩ બેઠકોમાંથી ૯ પર ભાજપ અને ૪ પર સપાનુ જીતવુ નક્કી માનવામાં આવી રહ્યુ છે.

 

 

(8:12 pm IST)