Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

તિરુપતિ મંદિરના પુજારી, ૧૪૦ કર્મી કોરોના પોઝિટિવ

શ્રદ્ધાળુઓના કોરોના હોવાના પુરાવાઓ મળ્યા નથી : મંદિરનો શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રાખવા માટે નિર્ણય

તિરુપતિ, તા. ૧૭ : પ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરના પુજારીઓ અને કર્મચારીઓ સહિત લગભગ ૧૫૦ લોકો કોરોના વાયરસની લપેટમાં આવી ગયા છે. આ તમામ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા મંદિરના બોર્ડે કહ્યું છે કે શ્રદ્ધાળુઓ હજી પણ આ મંદિરમાં દર્શન કરવા માટે આવી શકશે. કોરોના વાયરસની મહામારી અને તેના બાદ શરૂ કરવામાં આવેલી અનલોક યોજના અનુસાર બોર્ડે ૧૧ જૂનના રોજ મંદિરને ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના અધ્યક્ષ વાઈ વી સુબ્બા રેડ્ડીએ કહ્યું કે, મંદિરમાં સાર્વજનિક દર્શનને રોકવા માટેની કોઈ યોજના નથી.

શ્રદ્ધાળુઓના કોરોના પોઝિટિવ હોવાના કોઈ પુરાવાઓ મળ્યા નથી. ૧૪ પુજારી સહિત મંદિરના ૧૪૦ કર્મચારીઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યા છે. કોરોના વાયરસ ભીડભાડવાળી જગ્યાઓએ ઝડપથી ફેલાઈ શકે છે. તેથી અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેના પર વિશેષ ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ મળી આવેલા લોકોમાંથી ૭૦થી વધુ લોકો સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. રેડ્ડીએ જણાવ્યું કે, આ તમામ લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિમાં જ કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળ્યા છે. મંદિરના મુખ્ય પુજારી, રમના દીક્ષિતુલુનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા પુજારીઓ અને કર્માચારીઓએ ચિંતા વ્યક્ત કરી છે.

(12:00 am IST)