Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

રાજકોટમાં કોરોનાએ વધુ ત્રણનો ભોગ લીધો

વાંકાનેરના આદમભાઇ ઇસાભાઇ મોડાત (ઉ.વ.૫૮), જામનગરનાં ગીતાબેન ગોવિંદભાઇ ચૌહાણ (ઉ.વ.૬૫) તથા જીવરાજ પાર્કનાં ચંદ્રકાન્તભાઇ લક્ષ્મીચંદભાઇ વોરા (ઉ.વ.૬૮)એ સિવિલ કોવિડ-૧૯માં દમ તોડ્યોઃ ત્રણેય રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ, તા.૧૮: કોરોનાનીમહામારીમાં રોજબરોજ નવા પોઝિટિવ કેસ સામે આવતા જાય છે અને સાથોસાથ મૃત્યુ આંક પણ વધતો જાય છે.રાજકોટ શહેરની  સિવિલ હોસ્પિટલમાં વધુ ૩ દર્દીઓનો કોરોનાએ શિકાર કર્યો છે. આમ એક  મૃતક રાજકોટ શહેરના તથા  એક-એક મૃત્ક જામનગર અને  વાંકાનેરનાં  વતની છે અને ત્રણેયના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. સવિલ હોસ્પિટલના કોવિડ-૧૯ વિભાગમાં ગઇકાલ સાંજથી આજ સવાર સુધીમાં વધુ ત્રણ મૃત્યુ થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ નાના મૌવા મેઇન રોડ, જીવરાજ પાર્ક રાજકોટનાં (ઉ.વ.૬૮)ને કોરોના પોઝિટિવ લાગુ પડતાં સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગમાં સારવાર હેઠળ હતાં. તેમણે  દમ તોડી દીધો હતો.

આ ઉપરાંત વાંકાનેર રહેતા આદમભાઇ ઇશાભાઇ મોડાત(ઉ.વ-૫૮) અને જામનગરનાં ગીતાબેન ગોવિંદભાઇ ચૌહાણ (ઉ.વ-૬૫)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહિં તેઓની સારવાર દરમિયાન ં મોત નિપજ્યું હતું.

 આ ત્રણેય મૃતકોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા હતાં. સિવિલ  હોસ્પિટલમાંથી મૃતદેહોને અંતિમવિધી માટે પહોંચાડવા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં અલગ-અલગ ટીમો રાતભર દોડતી રહી હતી.

ઉલ્લેખનિય છે કે  મંગળવારે ૬, બુધવારે ૫ અને ગુરૂવારે ૧ તથા શુક્રવારે ૪ મળી ૧૬ દર્દીઓના મોત થયા બાદ આજે વધુ ત્રણ  દર્દીઓના મોત થતાં ફફડાટ ફેલાયો છે. આમ પાંચ  દિવસનો મૃત્યુ આંક ૧૯ થઇ ગયો છે. આરોગ્ય તંત્રો અને પોલીસ તંત્રો પોતાની રીતે લોકોને સચેત રહેવા અને નિયમોનું પાલન કરવા સમજ આપી રહ્યા છે. આમ છતાં લોકો બેદરકાર બની રહ્યા હોઇ પોઝિટિવ કેસો વધી રહ્યા છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. લોકો જાગૃત છે જ, પરંતુ વધુ થોડા જાગૃત બને અને બહાર નીકળવું જ પડે તેમ હોય તો તમામ નક્કી કરેલા નિયમોનું પાલન કરે તે અત્યંત જરૂરી બની ગયું છે.

(2:40 pm IST)