Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

બેંગ્લોર - હૈદ્રાબાદ - પૂણે હવે કોરોનાના નવા 'હોટસ્પોટ'

ત્રણેય શહેરોમાં કુદકે ને ભૂસ્કે વધી રહ્યા છે કેસ

નવી દીલ્હી તા. ૧૮ : દેશના સૌથી મોટા ૯ શહેરો પૈકી હવે બેંગલુરૂ, હૈદરાબાદ અને પુણે એવા શહેરો છે જયાં ખૂબ જ ઝડપથી કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. જયારે આ પહેલા મુંબઈ, દિલ્હી, ચેન્નઈ અને અમદાવાદ દેશમાં કોરોનાના એપી સેન્ટર હતા. જોકે હવે અહીં મહામારીની તીવ્રતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા દિવસોમાં દેશમાં સૌથી વધુ કેસ બેંગલુરૂમાં સામે આવ્યા છે. જયાં પ્રતિદિવસના ૧૨.૯ ટકાના ઝડપથી કેસ વધી રહ્યા છે. તેમજ આ સમય દરમિયાન શહેરમાં મૃત્યુ દર પણ ૮.૯ ટકા જેટલો હાઈ નોંધવામાં આવ્યો છે.

જયારે વાત કેસ ફેટાલિટી રેટની કરવામાં આવે ત્યારે પ્રતિ ૧૦૦ કોવિડ-૧૯ કેસ પર મૃત્યુદરમાં અમદાવાદ હજુ પણ દેશમાં ટોચ પર છે. જે બાદ બીજા નંબરે મુંબઈ અને ત્રીજા નંબરે કલકત્તા છે. જયારે વસ્તીની ગીચતાની દ્રષ્ટીએ ચેન્નઈ પ્રતિ ૧૦ લાખે ૮૫૯૫ કેસ સાથે ટોચ પર છે. જે બાદ મુંબઈ, પુણે અને દિલ્હી આવે છે. તેમજ પ્રતિ ૧૦ લાખે મુંબઈમાં ૩૪૫ લોકોના મોત થયા છે જે દેશમાં સૌથી વધુ છે. મુંબઈ બાદ આ પેરામીટરમાં અમદાવાદ અને દિલ્હીનો નંબર આવે છે.

છેલ્લા ૪ સપ્તાહના કોવિડ-૧૯ કેસના ડેટાનું એનાલિસિસ કરતા જોવા મળે છે કે મહામારી ધીરે ધીરે નવા નવા શહેરી વિસ્તારોને પોતાની પકડમાં આવરી રહી છે. જેમ કે દરરોજના સરેરાશ નવા કેસ મુંબઈમાં ઘટી રહ્યા છે તો પુણેમાં વધી રહ્યા છે. જયારે અમદાવાદમાં દેશની રાષ્ટ્રીય એવરેજ કરતા પણ નીચા દરે નવા કેસ વધી રહ્યા છે. પરંતુ સુરતમાં આ જ કેસ વધારો રાષ્ટ્રીય એવરેજ કરતા ઘણો વધારે છે. તેવી જ રીતે ચેન્નઈમાં નવા કેસની નોંધણીમાં ઘટાડો જોવા મળ્યો છે જયારે હૈદરાબાદ અને બેંગલુરૂમાં વધારો જોવા મળ્યો છે.

(10:17 am IST)