Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

પવિત્ર અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાનું જોખમ

સેના અને સુરક્ષા દળો હાઈ એલર્ટ પર

શ્રીનગર, તા.૧૮: જમ્મુ-કાશ્મીરઃ અમરનાથની યાત્રા ૨૧ જુલાઈથી શરૂ થવાની છે, ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર હુમલો કરવાની યોજના ઘડી રહેલા આતંકવાદીઓ વિશે સુરક્ષા દળોને ઇનપુટ્સ મળ્યા છે, એમ આર્મીના એક અધિકારીએ જણાવ્યું હતું. જેથી સેના અને સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે. જોકે આ વાર્ષિક યાત્રા નિર્વિઘ્ને ચાલુ રહે એ માટે સેનાએ સિસ્ટમ્સ અને શસ્ત્રસરંજામ ગોઠવાયેલાં છે અને કડક જાપ્તો રાખ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એવા સંકેતો છે કે આ આતંકવાદીઓ અમરનાથ યાત્રાને લક્ષ્યાંક કરવા માટે હાઇવે-૪૪ પર હુમલો કરે એવી શકયતા છે, પણ એને સેના ખાળવા માટેના પૂરતા પ્રયાસો કરશે. વળી, અમારી પાસેનાં સિસ્ટમ્સ અને સંસાધનો છે, જેથી અમે તેમના પ્રયત્નોને સફળ નહીં થવા દઈએ, એમ દક્ષિણ કાશ્મીરના બીજા સેકટરના બ્રિગ્રેડિયર વિવેક સિંહ ઠાકુરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ૨૧ જુલાઈથી શરૂ થવાના ચાર દિવસ પહેલાં સેના દ્વારા જૈશ-એ મોહમ્મદના કમાન્ડર સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે અમે અમરનાથ યાત્રાને કોઈ પણ અવરોધ વિના શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય, એ માટે પ્રતિબદ્ઘ છીએ અને યાત્રા માર્ગ પરની સુરક્ષા વ્યવસ્થાને નિયંત્રણમાં રાખીશું. તેમણે કહ્યું હતું કે અમરનાથ યાત્રીઓ દ્વારા જે નેશનલ હાઇવે ૪૪નો ઉપયોગ કરવામાં આવે છે, એ થોડો સંવેદનશીલ માર્ગ છે. યાત્રીઓ સોનમર્ગ (ગેન્ડરબલ)ના માર્ગે જઈ શકશે અને અમરનાથ ગુફા સુધી જવા માટે બાલતાલનો એકમાત્ર રસ્તો ખુલ્લો છે.

અમરનાથ યાત્રા ૨૧ જુલાઈથી શરૂ થઈ રહી છે અને આ યાત્રા ત્રીજી ઓગસ્ટે સંપન્ન થશે. હાલ આ સમયે દક્ષિણ કાશ્મીરમાં ૧૦૦ આતંકવાદી સક્રિય છે. ૩૦ પાકિસ્તાની આતંકવાદી હુમલાની ફિરાકમાં છે. ૨૦૧૯માં પણ આતંકવાદીઓએ અમરનાથ યાત્રા પર હુમલાનું ષડયંત્ર રચ્યું હતું.

કોરોના કાળને લીધે દૈનિક ધોરણે ૫૦૦ તીર્થયાત્રીઓ જ અમરનાથબાબાની પવિત્ર ગુફામાં દર્શનની મંજૂરી આપવામાં આવી છે. વળી ૫૫ વર્ષથી ઓછી વયના લોકો જ યાત્રા કરી શકશે. યાત્રા દરમ્યાન કોરોનાને જોડાયેલી જરૂરી ગાઇડલાઇન્સનું પણ પાલન કરવાનું રહેશે.

(11:50 am IST)