Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

ટ્રાયલના બીજા તબકકામાં પહોંચી બ્રિટનની વધુ એક વેકસીન

બીજા ફેઝમાં ૧૮ થી ૭૫ વર્ષની ઉંમરના ૧૦૫ લોકોને વેકસીનના ડોઝ અપાશે

લંડનઃ લંડનની ઈમ્પિરિયલ કોલેજની કોરોના વાયરસ વેકિસન હ્યૂમન ટ્રાયલના બીજા ફેઝમાં પહોંચી ગઈ છે. તેની સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પ્રથમ તબક્કા દરમિયાન વેકિસને સારો પ્રભાવ દેખાડ્યો છે. ટ્રાયલ દરમિયાન બીજા ફેઝમાં ૧૮ થી ૭૫ વર્ષની ઉંમરના ૧૦૫ લોકોને વેકિસનનો ડોઝ આપવામાં આવશે. તેના ચાર સપ્તાહ બાદ બધા સહભાગીઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

ઈમ્પિરિયલ કોલેજની ટીમ કલીનિકલ ટ્રાયલ સાથે જોડાયેલા બધા સહભાગીઓના સ્વાસ્થ્ય પર ખાસ નજર રાખી રહી છે. વેકિસનને લઈને અત્યાર સુધી કોઈ નકારાત્મક અસર જોવા મળી નથી. આ વેકિસન સાથે જોડાયેલા ડેટાને ભેગો કરવા માટે ટીમ બધા સહભાગીઓના લોહીની પણ તપાસ કરશે.

પ્રોજેકટ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, બીજા તબક્કાના હ્યૂમન ટ્રાયલ બાદ નવેમ્બરમાં આ વેકિસનના ત્રીજા ટ્રાયલનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન વેકિસનનું પરીક્ષણ છ હજાર લોકો પર કરવાની યોજના છે. ઈમ્પિરિયલ કોલેજની ટીમે સંભાવના વ્યકત કરી છે કે આ વેકિસન ૨૦૨૧ની શરૂઆતમાં પ્રોડકશન માટે જઈ શકે છે.

(3:30 pm IST)