Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

બ્રાઝિલમાં ૨૦ લાખથી વધુ કેસ અને ૭૬૦૦૦નાં મોત

અમેરિકા બાદ બ્રાઝિલમાં સૌથી વધુ કેસ : કોરોના વાયરસને કાબુમાં લેવા બ્રાઝીલમાં નક્કર રાષ્ટ્રીય રણનીતિનો જોરદાર અભાવ છે : નિષ્ણાતોનો અભિપ્રાય

સાઓ પાઉલો, તા. ૧૮ : દુનિયાભરના દેશોમાં કોરોના વાયરસનો પ્રકોપ હજુ યથાવત્ છે. દરમિયાન દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝીલમાં કોરોના વાયરસના ચેપના કેસોની સંખ્યાની ૨૦ લાખથી ઉપર પહોંચી ગઈ છે. તેમજ બ્રાઝિલમાં હમણા સુધી કોરોના વાયરસથી કુલ ૭૬૦૦૦ લોકોના મોત થયા છે. ચીનમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ડિસેમ્બરમાં નોધાયા હતો. ત્યારબાદ ભારતમાં પ્રથમ કેસ ફેબ્રુઆરીમાં નોંધાય હતા. જ્યારે બ્રાઝિલમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ મે મહિનામાં સામે આવ્યો હતો. બ્રાઝીલના આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ૨૦ લાખથી ઉપર પહોંચી ગઈ છે.

         આ દરમિયાન બ્રાઝીલના આરોગ્ય નિષ્ણાતોએ રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોને કોરોના વાયરસની ક્ષમતાને અવગણવી અને રાષ્ટ્રીય તથા રાજ્ય સરકારોની વચ્ચે સમન્વયની કમીને માટે જવાબદાર ઠેરવી છે. બ્રાઝીલના આરોગ્ય નિષ્ણાતોએ કહ્યું કે અંતરિમ હેલ્થ મિનિસ્ટર વૈશ્વિક મહામારીના પડકારને પહોંચી વળવા માટે ટ્રેઈન્ડ નથી. બીજી તરફ કોરોનાથી બચવા માટેની ગાઈડલાઈન્સનો ભંગ કર્યા બાદ હવે રાષ્ટ્રપતિ બોલસોનારો ખુદ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થયા છે. અમેરિકા બાદ કોવિડ-૧૯ના સૌથી વધુ ૨૦ લાખ કેસો બ્રાઝીલમાં નોંધાયા છે અને ટેસ્ટિંગ પ્રક્રિયામાં ખામીના કારણે આંકડા હજુ વિશ્વસનીય છે. ટૂંકમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ધારણા કરતા ખૂબ મોટી હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે.

         બ્રાઝીલની કેટલીક યુનિવર્સિટીના પ્રોફેસરોએ કોરોના વાયરસ કેસો સંદર્ભે તૈયાર કરેલા એક મોડલ અનુસાર મોતની સંખ્યા ખૂબ વધારે છે અને બ્રાઝીલમાં એક લગભગ કોરોના વાયરસના કેસોની સંખ્યા ૧૦ મિલિયન (એક કરોડ) જેટલી હોઈ શકે છે. સાઓ પાઉલો યુનિવર્સિટીના પ્રોફેસર ગેટુલસ વર્ગાસે કહ્યુંકે, કોરોના વાયરસના ટેસ્ટ અંગે કોઈ નક્કર રાષ્ટ્રીય નીતિ નથી. ઉપરાંત કોરોના વાયરસના ફેલાવને કાબુમાં લેવાના યોગ્ય પ્રયાસ કરવામાં આવ્યા નથી, જેના કારણે દેશમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છેકે, દુનિયાના કેટલાય દેશો કોરોના વાયરસ મહામારી ગંભીર હોવાનો દાવો કરી રહ્યા હતા, ત્યારે બ્રાઝીલના રાષ્ટ્રપતિ બોલસોનોરો સતત વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા હતા, જેના લઈને હવે કોરોના વાયરસનો પ્રકોપ વધતા નિષ્ણાતો માટે રાષ્ટ્રપતિની બેદરકારીને કારણભૂત માની રહ્યા છે.

(9:51 pm IST)