Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

અમેરિકામાં ઓનલાઇન અભ્યાસ માટેની ફી માં ઘટાડો કરવા વિદ્યાર્થીઓ તથા વાલીઓની માંગણી : કોલેજો બંધ હોવા છતાં કેમ્પસ ફી ઉઘરાવવા સામે વિરોધના મંડાણ : સરકાર તથા કોર્ટ સમક્ષ રાવ

વોશિંગટન : કોવિદ -19 ના કારણે અમેરિકાની યુનિવર્સીટીઓ તથા કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ શક્ય ન હોવાથી ફરજીયાત ઓનલાઇન અભ્યાસ કરવાનો હોવા છતાં ટ્યુશન ફી કે કેમ્પસ ફી યથાવત રાખવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે.જે મુજબ ઓનલાઇન અભ્યાસ માટેની ફી માં ઘટાડો કરવાની માંગણી કરાઈ છે.તેમજ  કોલેજો બંધ હોવા છતાં કેમ્પસ ફી ઉઘરાવવા સામે વિરોધ વ્યક્ત થઇ રહ્યો છે.તથા સરકાર અને કોર્ટને હસ્તક્ષેપ કરવા અરજીઓ થવા લાગી છે.
રગટર્સ યુનિવર્સિટીમાં 30 હજારથી વધુ લોકોએ જુલાઈમાં એક અરજી પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં ટ્યુશન ખર્ચમાં 20% અને અન્ય ખર્ચ નાબૂદ કરવાની માગ કરાઈ છે. નોર્થ કેરોલિના યુનિવર્સિટીના 40 હજાર વિદ્યાર્થીઓ, વાલીઓએ કોવિડ-19માં કોલેજ બંધ હોવાને લીધે હાઉસિંગ ખર્ચ પાછો આપવાની માગ કરી છે. કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીએ ઓનલાઈન અભ્યાસનો નિર્ણય લીધો છે, એટલે ત્યાં કેમ્પસ ખર્ચમાં કાપની માગ ઉઠી છે. હાર્વર્ડમાં ફર્સ્ટ યરના 340 વિદ્યાર્થીઓએ ઓનલાઈન ખર્ચ બચાવવા એડમિશન જ લીધું નથી. ગયા મહિને વાલીઓએ ફેસબુક પર એક ગ્રૂપ બનાવીને સરકારને ટ્યુશન ફી ઘટાડવા અને ગેરહાજરીના નિયમોને હળવા કરવા કહ્યું છે. અનેક કોલેજો સામે કરાર તોડવા માટે અદાલતોમાં દાવા માંડ્યા છે.
સામે પક્ષે ફી માં ઘટાડો કરવામાં આવે તો કોલેજોની હાલત કથળી શકે તેમ છે તેવી યુનિવર્સીટી સંચાલકોની રજુઆત છે.જોકે આ મુદ્દે  યુનિવર્સિટીઓની પ્રતિક્રિયા અલગ-અલગ છે. કેટલીક યુનિવર્સિટીએ ડિસ્કાઉન્ટની ઓફર કરી છે, પરંતુ મોટાભાગની તેના વિરોધમાં છે. ઉચ્ચ શિક્ષણ ટ્રેડ ગ્રૂપ અમેરિકન એજ્યુકેશન કાઉન્સિલના વાઈસ પ્રેસિડન્ટ ડેરી હાર્ટલે કહ્યું કે, આ અસાધારણ સમય છે. પરિવારોને કોલેજમાં એડમિશન માટે વધુ સહાયની જરૂર છે, પરંતુ કોલેજોએ પણ અસ્તિત્વ ટકાવવાનું  છે.
બીજી તરફ મોટી સંખ્યામાં કોલેજોને ખોલવાનો વિચાર સ્થગિત કરાયો છે. છેલ્લા બે સપ્તાહમાં મેરીલેન્ડ યુનિવર્સિટી, પેનસિલ્વેનિયા યુનિવર્સિટી, સધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટી, વર્જિનિયા યુનિવર્સિટી, પ્રિન્સ્ટન અને અનેક કોલેજોએ કોવિડ-19ની ચિંતા સાથે મોટાભાગના ક્લાસ ઓનલાઈન શરૂ કરવાની જાહેરાત કરી છે. દેશની 5 હજારમાંથી માત્ર એક ચતુર્થાંસ કોલેજોએ જ આંશિક કે સંપૂર્ણપણે પ્રત્યક્ષ શિક્ષણનો ઈરાદો વ્યક્ત કર્યો છે. મૂડી ઈન્વેસ્ટર્સ સર્વિસે ઉચ્ચ શિક્ષણ સેક્ટરનું રેટિંગ ઘટાડી દીધું છે. મહામારી પહેલા 30 ટકા યુનિવર્સિટીઓ નુકસાનમાં ચાલી રહી હ તી. હવે કેમ્પસ બંધ થતાં આવક સંપૂર્ણ બંધ થઈ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:34 am IST)