Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ઉત્તરાખંડમાં વરસાદનો કહેર મોટાભાગના રસ્તા વહી ગયા

સંખ્યાબંધ ગામો જળાશય બની ગયાં : ઋષિકેશમાં સોન્ગ નદીનું રૌદ્રરૂપ જોઈને લોકો ડરી ગયા, નદીએ બંધ તોડી દીધા જેનાથી ઘણા ગામ પૂરની ચપેટમાં

દહેરાદુન, તા. ૧૭ : ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદને કારણે રસ્તાઓ ઠેરઠેર તૂટી ગયા છે. પિથોરાગઢમાં બીઆરઓએ રેકોર્ડ સમયમાં એક બેલી બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. ૨૭ જુલાઈએ વાદળ ફાટવાના કારણે અહીં બનેલો પુલ ધ્વસ્ત થયા બાદ કાટમાળ વહી ગયો હતો. ઋષિકેશમાં સોન્ગ નદીનુ રૌદ્રરૂપ જોઈને લોકો ડરી ગયા છે. નદીએ કેટલાય બંધ તોડી દીધા જેના કારણે કેટલાક ગામ પૂરની ચપેટમાં આવી ગયા છે. પૂરની મુસીબત વેઠી રહેલા ડઝનેક પરિવારોની સામે ખાવા-પીવાની સમસ્યા છે. હવામાન વિભાગે પિથોરાગઢ, બાગેશ્વર, ચમોલી અને નેનીતાલ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યુ છે. જ્યારે દેહરાદૂન અને ટિહરી માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. આગામી ૨૪ કલાક ઉત્તરાખંડના જિલ્લામાં ભારે વરસાદથી પહાડોમાં ભૂસ્ખલન પણ થઈ શકે છે.

            પહાડ મોટી તબાહી લાવી શકે છે. મેદાની વિસ્તારોમાં પણ મૂશળધાર વરસાદથી હાલત ખરાબ છે. હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઉંચા પહાડોમાં ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વિશ્વ વિખ્યાત શક્તિપીઠ નેના દેવીમાં પાણી ભરાઈ ગયું છે. મૂશળધાર વરસાદના કારણે દરેક જગ્યાએ ઝરણાં વહી રહ્યા છે. પીડબ્લ્યુડી ભૂસ્ખલન બાદ રસ્તા પર પડેલા પથ્થરોને હટાવવાનુ કામ કરી રહી છે. અહીંના પહાડી વિસ્તારોમાં ઠંડીના વાતાવરણની જેમ ધુમ્મસ છવાઈ રહી છે. જેના કારણે ગાડી ચલાવનારને દિવસે પણ હેડલાઈટ ચાલુ રાખવી પડે છે. દેહરાદૂનમાં ભારે વરસાદના કારણે તબાહી મચી ગઈ છે. અહીંના કોવિડ હોસ્પિટલના ઈમરજન્સી અને કોરોના વોર્ડમાં પાણી ભરાઈ ગયું છે.

(12:00 am IST)