Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

'હિન્દી મીડિયમ’ની પાકિસ્તાની અભિનેત્રી સબા કમર સામે ફરિયાદ દાખલ :સાથી કલાકાર સામે પણ ગુન્હો

ઐતિહાસિક વઝીર ખાન મસ્જીદમાં નિકાહના સીનથી લોકો નારાજ: લાહોર પોલીસે બંને કલાકારો સામે કેસ દાખલ કર્યો

 

લાહોરઃ બોલીવૂડ ફિલ્મહિન્દી મીડિયમમાં ઇરફાન ખાન સામે ચમકેલી પાકિસ્તાની અભિનેત્રી સબા કમર સામે FIR દાખલ કરવામાં આવી છે. લાહોર પોલીસે તેની સાથે સાથી કલાકાર સિંગર બિલાલ સઇદ વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. બંને પર મસ્જીદની અંદર નિકાહનું દૃશ્ય ફિલ્માવવાનો આરોપ છે. પોલીસે તપાસ આદરી છે.

સોશિયલ મીડિયા પર સબા અને બિલાલનો એક નાનકડો વીડિયો બહુ વાયરલ થઇ રહ્યો છે. જેમાં નિકાહનું એક સીન દર્શાવાયું છે. બંનેએ લાહોરની એક પ્રસિદ્ધ મસ્જીદમાં નિકાહનો એક વીડિયો શૂટ કર્યો હતો. જેના કારણે મુસ્લિમ સમાજ તેમનાથી બહુ નારાજ છે.

દૃશ્ય લાહોરની ઐતિહાસિક વઝીર ખાન મસ્જીદનું છે. લોકોનું કહેવું છે કે સબા કમર અને બિલાલ સઇદ પર કેસ થવો જોઇએ. કારણ કે બંનેએ વઝીર ખાન મસ્જીદની પવિત્રતા ભંગ કરી છે. રિપોર્ટ મુજબ એડવોકેટ સરદાર ફરહત મંજૂર ખાને 13 ઓગસ્ટે પાકિસ્તાન પીનલ કોડની કલમ 295 હેઠળ કેસ દાખલ કર્યો છે.

 વિવાદ વધતા સબા કમરે સોશિયલ મીડિયા પર પોતાનો પક્ષ મૂકતા માફી પણ માગી છે. તેણે કહ્યું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો વીડિયો લાહોરની ઐતિહાસિક મસ્જીદમાં માત્ર એક સર્ક્યુલર મુવમેન્ટ સીનનો છે. જેથી અમે વીડિયો ના પોસ્ટર દ્વારા તસવીરો લઇ શકીએ. તે કોઈ પણ પ્રકારના પ્લેબેક મ્યુઝિક સાથે શૂટ કરવામાં આવ્યું નથી કે મ્યુઝિક ટ્રેકમાં તેને એડિટ કરવામાં આવ્યું નથી. વીડિયોમાં એક પરીણિત દંપત્તિને તેમના નિકાહ પછી દેખાડવામાં આવ્યા છે. છતાં અનિચ્છાએ પણ કોઇની લાગણીઓ દુભાઇ હોય તો અમે દિલથી માફી માગીએ છીએ. સૌને પ્રેમ અને શાંતિ.

(12:32 am IST)