Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ફેસબુક મુદ્દાને ભટકવવા ભાજપ ખોટી ચિઠ્ઠીઓ ફેરવે છે: 100 નેતાઓએ નેતૃત્વ બદલવા સોનિયા ગાંધીને પત્ર લખ્યા મામલે કોંગ્રેસની સ્પષ્ટતા

સંજય ઝાએ કોંગ્રેસ પાર્ટીમાં જ નેતાઓએ અવાજ ઉઠાવ્યો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો

 

નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીમાં અવારનવાર નેતૃત્વને લઈને વિવાદ થતાં રહે છે ત્યારે પાર્ટીએ કાઢી મૂકેલા નેતા સંજય ઝાએ ટ્વિટ કરી કહ્યું કે પાર્ટીના 100 નેતાઓએ નેતૃત્વ બદલવા માટે સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. જે બાદ કોંગ્રેસ પાર્ટીએ પણ સ્પષ્ટતા આપી છે

કેટલાક સાંસદો સહીત 100 કોંગ્રેસ નેતાઓએ અધ્યક્ષ નેતા સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં નેતૃત્વ બદલવાની તથા પારદર્શક ચૂંટણીની માંગ કરી છે.' કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ થઇ ગયેલા નેતા સંજય ઝાએ એક ટ્વિટ કરીને જાણકારી આપ્યા બાદ દેશભરમાં કોંગ્રેસમાં આંતરિક ડખો અને ગાંધી પરિવાર સિવાય નેતૃવ બદલાવની ચર્ચાએ જોર પકડ્યું હતું

  અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીએ સંજય ઝાને ગયા મહીને પ્રવક્તા પદથી પણ હટાવી દીધા છે ત્યારે સોમવારે સવારે તેમણે ટ્વિટ કરીને કહ્યું કે આશરે સો નેતાઓ કોંગ્રેસ પાર્ટીની પરિસ્થિતિથી ખૂબ દુઃખી છે અને નેતૃત્વ પરિવર્તન કરવા માટે CWCમાં પારદર્શક ચૂંટણી કરવા માટે માંગણી કરી રહ્યા છે

જોકે કોંગ્રેસ પાર્ટીએ સંજય ઝા દ્વારા કરવામાં આવેલ દાવાનું ખંડન કર્યું છે. મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ તેને ફેસબુક સાથે ભાજપના લિંકના મુદ્દાને ભટકવવાનો હથકંડો બતાવ્યો. તેમણે કહ્યું કે આજે વોટ્સએપ પર મીડિયા-ટીવી ડિબેટમાં ખોટી માહિતીઓ ફેલાવનારા વિશેષ સમૂહના માર્ગદર્શન હેઠળ ફેસબુક-ભાજપ સંબંધી મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે વોટ્સએપ કોંગ્રેસ નેતાઓની એવી ચિઠ્ઠી ફેરવવામાં આવી રહી છે જેનો કોઈ અસ્તિત્વ નથી. ભાજપની કઠપૂતળીઓએ તેના પર કામ ચાલુ કરી દીધું છે.

નોંધનીય છે કે કોંગ્રેસે વોલ સ્ટ્રીટ જનરલની એક રિપોર્ટના આધાર પર ભાજપ અને ફેસબુક પર આરોપ લાગાવ્યો છે કે ફેસબુક જાણીજોઇને ભાજપ નેતાઓના ઘૃણાસ્પદ ભાષણ અને આપત્તિજનક પોસ્ટને હટાવતું નથી

(1:02 am IST)