Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ધરતી ઉપર પહેલીવાર ૫૪.૪ ડીગ્રી તાપમાન ડેથ વેલીમાં નોંધાયુ : શ્રીનગરમાં ૩૫.૭ ડીગ્રી

પૃથ્વી ઉપર સતત ગરમી વધી રહી છે : શ્રીનગરમાં ગરમીએ ૩૯ વર્ષનો રેકોર્ડ તોડયો : વૈજ્ઞાનિકો બન્યા ચિંતિત

નવી દિલ્હી તા. ૧૮ : અમેરિકાના પૂર્વી કેલિફોર્નિયાની ડેથ વેલીમાં રવિવારે વિશ્વનું સૌથી વધુ ૫૪.૪ ડીગ્રી સેલ્સીયસ (૧૩૦ ડીગ્રી ફારેનહાઇટ) તાપમાન નોંધાયું હતું. પૃથ્વીના કોઇપણ ભાગમાં અત્યાર સુધીમાં આનાથી વધુ તાપમાન કદી રેકોર્ડ થયું નથી. તો બીજી તરફ પોતાના ખુશનુમા વાતાવરણ અને ખૂબસુરત ખીણને કારણે ભારતનું સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં પણ આ વખતે જોરદાર ગરમી પડી છે. કાશ્મીરમાં આ વર્ષે હવામાન એટલું બદલાયું છે કે ગઇકાલે શ્રીનગરમાં ૩૯ વર્ષમાં સૌથી ગરમ દિવસ અનુભવ્યો હતો ત્યાં ગઇકાલે તાપમાન ૩૫.૭ ડિગ્રીએ પહોંચ્યું હતું.

પૃથ્વીના આ વધતા તાપમાનને લઇને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ૧૯૫૦ના દાયકા બાદ જે રીતે ઔદ્યોગિકરણ વધ્યું છે તેના કારણે તાપમાન વધ્યું છે. તાપમાનમાં થઇ રહેલા આ વધારાને રોકવા માટે કડક પગલા લેવાની જરૂર છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે જો પગલા નહિ લેવાય તો આવતા ૫૦ થી ૧૦૦ વર્ષોમાં પૃથ્વીના જનજીવન સામે મોટા પડકારો ઉભા થશે.

અમેરિકામાં રવિવારે બપોરે ૩.૪૧ કલાકે ડેથ વેલીમાં ફર્નેસ ક્રીક પાસે ૧૩૦ ડિગ્રી ફેરેનહાઇટ એટલે કે ૫૪.૪ ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પણ ગઇકાલે ૩૫.૭ ડીગ્રી તાપમાન હતું જે ૩૯ વર્ષનો રેકોર્ડ છે. તાપમાન સામાન્યથી ૬ ડિગ્રી વધું હતું. આ પહેલા ૭ ઓગસ્ટે ૩૫.૪ ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ તાપમાન પર જો નિયંત્રણ નહિ લદાય તો પૃથ્વી પર માણસોને રહેવાનું મુશ્કેલ બનશે અને નિયંત્રણમાં લાવવા માટે સૌથી જરૂરી છે કે ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જન પર કાબુ મેળવવો, ગ્રીન હાઉસ ગેસમાં કાર્બન ડાયોકસાઇડ, મીથેન, નાઇટ્રેસ એકસાઇડ, સલ્ફર હેકસાફલોરાઇડ, નાઇટ્રોજન ટ્રાઇફલોરાઇડ વગેરે ગેસ આવે છે તેનું ઉત્સર્જન પૃથ્વી માટે ખતરનાક છે.

વૈજ્ઞાનિકોના કહેવા મુજબ છેલ્લા ૪૫ વર્ષમાં જ વિશ્વનું તાપમાન પ્રતિ શતાબ્દીના હિસાબથી ૧.૭ ડિગ્રી વધ્યું છે.

(11:50 am IST)