Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

બેંકો સાથે ૧૫૩૦ કરોડની છેતરપિંડી

CBIએ લુધીયાણાની કંપની સામે ગુન્હો નોંધ્યો

નવી દિલ્હી તા. ૧૮ : બેન્કોના એક સમૂહ સાથે કુલ ૧,૫૩૦ કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ લુધિયાણા-સ્થિત એસઇએલ ટેકસટાઇલ્સ લિમિટેડ તેમ જ એના ડિરેકટરો વિરુદ્ઘ ગુનો નોંધ્યો હોવાનું અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું.

સેલ ટેકસટાઇલ્સ લિમિટેડ તરીકે ઓળખાતી આ કંપનીના ડિરેકટરો રામ શરન સલુજા, નીરજ સલુજા અને ધીરજ સલુજાના નામ સીબીઆઇની એફઆઇઆરમાં કેટલીક અજાણી વ્યકિતઓ સાથે આરોપી તરીકે નોંધવામાં આવ્યા છે.

આ તપાસ સંસ્થાએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની ફરિયાદ પરથી તપાસ શરૂ કરી હતી. ફરિયાદમાં કહેવાયું હતું કે કંપની અને એના ડિરેકટરોએ ૨૦૦૯થી ૨૦૧૩ દરમિયાન બેન્કોને છેતરવા તેમ જ લોનનું ભંડોળ બીજા વાળવાનું ફોજદારી કાવતરૂ ઘડવામાં ભૂમિકા ભજવી હતી અને એ પાછળનો તેમનો હેતુ નાણાકીય ગેરરીતિ કરવાનો હતો. તેમની એ કરતૂતોથી બેન્કોના સમૂહની જાહેર ક્ષેત્રની ૧૦ બેન્કને કુલ ૧,૫૩૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, એમ અધિકારીઓએ ઉમેર્યું હતું.

(11:52 am IST)