Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

દેશમાં મુશળધાર વરસાદથી હાહાકાર : 81 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત

બિહાર, આસામ અને છત્તીસગઢના અનેક જિલ્લાઓ પૂરની ઝપેટમાં

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં વરસાદે હાહાકાર મચાવી દીધો છે.બિહારમાં પૂરનો કહેર સતત યથાવત છે. કેટલાંક વિસ્તારોમાં ભલે પૂરના પાણી ઓછા થયા છે પરંતુ હજુ પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખેતરો પૂરના પાણીથી સંપૂર્ણપણે ભરાયેલા છે. રાજ્યનાં 16 જિલ્લાઓના 130 વિસ્તારોમાં હજુ  પૂરના પાણી ચારે બાજુ ફેલાયેલા છે. જેના કારણે લગભગ 81 લાખથી પણ વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. અત્યાર સુધીમાં પૂરથી 25 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે 8 લાખ હેક્ટરમાં પાક સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે એટલે કે પાણીમાં ડૂબી ગયો છે.

ઉત્તર પૂર્વનાં રાજ્ય આસામમાં પણ પૂર અને ભારે વરસાદને કારણે લોકોને બેહાલ કરી નાખ્યા છે. અહીં સિંગરા નદીનું જળસ્તર વધવાથી અનેક લોકો ડૂબ્યાના સમાચાર છે. આસામના ત્રણ જિલ્લા ઘેમાજી, લખીમપુર અને બક્સા હજુ પણ પૂરની ઝપેટમાં છે અને આ જિલ્લાના 11,900 લોકો પૂરથી સંપૂર્ણ પ્રભાવિત છે. પૂર સંબંધિત ઘટનાઓમાં 138 લોકોના મોત થયા છે જ્યારે ભૂસ્ખલનમાં 26 લોકોનાં મોત થયા છે

ત્રણ પૂર પ્રભાવિત જિલ્લાઓમાં 28 ગામડા અને 1535 હેક્ટર પાક વિસ્તાર જળમગ્ન થયા છે. છત્તીસગઢમાં બિલાસપુરના ખૂંટાઘાટમાં નદીના તેજ પ્રવાહમાં ફસાયેલા એક યુવકનું ભારતીય વાયુસેનાએ હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરાયુ હતું. આ યુવક તેજ પ્રવાહ વચ્ચે માત્ર એક વૃક્ષને સહારે આખી રાત ફસાયેલો રહ્યો હતો

બીજી બાજુ ગુજરાતમાં પણ પૂર અને વરસાદે હાહાકાર મચાવી દીધો છે. સુરત, જામનગર, વડોદરા અને અમદાવાદ તેમજ સૌરાષ્ટ્ર અને બનાસકાંઠા ભારે વરસાદને કારણે પાણી-પાણી થઇ ગયા છે. વડોદરામાં તો વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા મગરો પણ રોડ પર ફરતા જોવા મળી રહ્યાં છે. ઉપરાંત સુરતમાં તો લોકોમાં ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 80 ટકા વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં 132.5 ટકા નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાત ઝોનમાં 56.41 ટકા નોંધાયો છે.

ગુજરાત રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે, રાજ્યના 192 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 93 તાલુકાઓમાં અડધાથી સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લાના માંડવી અને મુંદ્રા તાલુકામાં સાડા પાંચ ઈંચ, તાપીના વાલોદ અને આણંદના તારાપુરમાં પાંચ ઈંચ વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો છે.

(12:05 pm IST)