Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

દિલ્હીમાં સાજો થયેલ દર્દી બીજીવાર કોરોના પોઝીટીવ આવવા લાગતા ચિંતા

એક વ્યકિતનું બીજી વખતમાં સારવાર દરમિયાન મોત

નવી દિલ્હી, તા. ૧૮ : દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. એક તરફ જયાં દિલ્હીમાં પહેલા કરતા કોરોના કાબુમાં આવી રહ્યો છે ત્યારે એક ખરાબ અને ચોંકાવનારી ખબર સામે આવી છે.

દિલ્હીમાં કેટલીક હોસ્પિટલોના જણાવ્યા મુજબ અગાઉ કોરોના વાયરસથી સાજા થયેલ દર્દીઓ ફરીથી સંક્રમિત થઇ અને ફરી સારવાર માટે આવી રહ્યા છે. દિલ્હી સરકાર દ્વારા સંચાલિત રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં કોરોનાથી સાજા થયેલ બે દર્દીઓમાં ફરી સંક્રમણ જોવા મળ્યું છે. હોસ્પિટલના તંત્ર મુજબ આ મહીનાની શરૂઆત બે દર્દીઓ કોરોનામાંથી સાજા થયા બાદ દોઢ મહિનામાં ફરી પોઝીટીવ આવ્યા છે.

આવી જ સ્થિતિ દિલ્હીના દ્વારકા વિસ્તારની આકાશ હેલ્થકેર હોસ્પિટલમાં થઇ છે. અહીં સારવાર લઇ સાજા થયેલ દર્દીને ફરી કોરોના પોઝીટીવ આવેલ. જો કે બીજીવાર સંક્રમણની સારવાર દરમિયાન દર્દીનું મૃત્યુ નિપજયું છે. ઉપરાંત દિલ્હીના એક પોલીસ કર્મી પણ બીજીવાર પોઝીટીવ આવ્યો છે.

બીજીવાર પોઝીટીવ થતા એક જ દર્દીને કારણે સ્થિતિ સંવેદનશીલ બની રહી છે. તજજ્ઞો પણ આવા કેસના કારણે હેરાન થયા છે. નગર નિગમની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ પણ બીજીવાર સંક્રમણનો શિકાર બની છે.

દિલ્હીમાં હાલ ૧.૩૭ લાખ કોરોના કેસ છે. જો કે એકટીવ કેસ ૧૦ હજાર આસપાસ જ છે. છેલ્લા ર૦ દિવસમાં દર્દીની સંખ્યા ઘટી છે. છતાં બીજીવારના સંક્રમણે ચિંતા વધારી છે.

(3:01 pm IST)