Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ફેસબુક વિવાદ મામલે કોંગ્રેસે લખ્યો માર્ક ઝુકરબર્ગને પત્ર : રાહુલ ગાંધીએ કહ્યું - દરેક ભારતીયે પ્રશ્ન પૂછવા જોઈએ.

બીજેપીના નેતાઓએ સતત હેટ સ્પીચ ફેલાવવાનું કામ કર્યું, પરંતુ ફેસબુક તરફથી તેમના વિરૂદ્ધમાં કોઈ જ એક્શન લેવામાં આવી નહીં

નવી દિલ્હી : ભાજપ અને ફેસબુકના સંબંધોને લઇને વિવાદ સતત વધી રહ્યો છે. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ મોદી સરકાર પર આને લઇને શાબ્દિક હુમલો કર્યો છે. તેમને પોતાના ટ્વિટર પર કહ્યું કે, અમે કોઈપણ સ્થિતિમાં પક્ષપાત, ફેક ન્યૂઝ અને હેટ સ્પીચથી મુશ્કેલીથી મેળવેલી લોકશાહીને નુકશાન પહોંચવા દઈશું નહીં. તેમને કહ્યું કે, વોલ સ્ટ્રીટ જર્નલે જે ખુલાસાઓ કર્યા છે તેના પર દરેક ભારતીય નાગરિકે પ્રશ્ન પૂછવા જોઈએ

રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર સાથે ફેસબુકના સીઈઓ માર્ક ઝૂકરબર્ગને લખેલો પત્ર પણ પોસ્ટ કર્યો છે. આ ચિઠ્ઠીમાં ફેસબુક ઈન્ડિયાના બીજેપી સાથે સંબંધ અને સાંઠગાંઠનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ તરફથી લખેલા આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે- “આ કોમ્યુનિકેશન ભારતની સૌથી મોટી રાજકીય વિપક્ષી પાર્ટી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહ્યો છે. અમને વિશ્વાસ છે કે, તમે ધ વોલ સ્ટ્રીટ જર્નલના પહેલા પેજ પર 14 ઓગસ્ટે છપાયેલી સ્ટોરી વાંચી હશે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ભારતમાં ફેસબુક કન્ટેન્ટની સ્ક્રૂટનીમાં પક્ષપાત કરવામાં આવ્યો. આ આર્ટિકલમાં ફેસબુક ઈન્ડિયાની લીડરશિપ પર સીધા આરોપ લગાવવામાં આવ્યા છે કે, તેને એક રાજકીય પાર્ટી બીજેપીને સપોર્ટ કર્યો. બીજેપીના નેતાઓએ સતત હેટ સ્પીચ ફેલાવવાનું કામ કર્યું, પરંતુ ફેસબુક તરફથી તેમના વિરૂદ્ધમાં કોઈ જ એક્શન લેવામાં આવી નહીં. ”

 

કોંગ્રેસે પોતાના આ લેટરમાં ફેસબુક એક્ઝિક્યુટિવ અંખી દાસના નામનો ઉલ્લેખ પણ કર્યો છે. તેમને કહ્યું કે, અંખી દાસે બીજેપીના ચૂંટણી સંબંધી મુદ્દાઓમાં ખુબ જ સમર્થન કર્યું. આ ખુબ જ ગંભીર આરોપ છે કે, ફેસબુક ઈન્ડિયાએ ભારતની ઈલેક્ટોરલ ડેમોક્રેસીમાં હસ્તક્ષેપ કરવાની કોશિશ કરી છે.

કોંગ્રેસે ઝૂકરબર્ગને લખ્યું છે કે, તમારી કંપની અમારા તે લોકશાહી અધિકારોને કચડી નાખવાની કોશિશ કરી રહી છે, જેના માટે અમારા નેતાઓએ પોતાના જીવની બાજી લગાવી હતી. તે ઉપરાંત કોંગ્રેસે ફેસબુક ઉપર આરોપ લગાવ્યા છે કે, તેમના દ્વારા પહેલા કરવામાં આવેલી ફરિયાદો ઉપર પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. સાથે જ કહેવામાં આવ્યું છે કે, ફેસબુક અને વોટ્સએપ ભારત માટે એક મોટું માર્કેટ છે. જ્યાં આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો કરોડો લોકો ઉપયોગ કરે છે. જેથી કંપનીની દેશના લોકો પ્રતિ જવાબદારી વધારે પ્રમાણમાં વધી જાય છે.

કોંગ્રેસે પોતાના પત્રને ખત્મ કરતાં ઝૂકરબર્ગને લખ્યું કે, હજું પણ વધારે મોડૂ થયું નથી. ફેસબુક પોતાની ભૂલોને સુધારી શકે છે. કોંગ્રેસે કહ્યું કે, આ મામલામાં હાઈ-લેવલની તપાસ થવી જોઈએ.

પત્રમાં ફેસબુકને કહેવામાં આવ્યું છે કે- ફેસબુક હેડક્વોટર તરફથી મામલાની હાઈ-લેવલની તપાસ થવી જોઈએ. જેમાં ફેસબુક ઈન્ડિયાની લીડરશિપ અને તેમના કામ કરવાની રીતને જોવી જોઈએ. સાથે જ તપાસ રિપોર્ટ નક્કી સમયમાં આવી જવી જોઈએ. તેના માટે એક અથવા બે મહિના લાગી શકે છે પરંતુ જ્યારે પણ રિપોર્ટ આવે તેને સાર્વજનિક કરવામાં આવે.

(9:17 pm IST)